Student & Rajkot Officer Due to Heart Attack : ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં વધુ બે લોકોના રાજ્યમાં હાર્ટ એટેકથી મોત થયા હોવાની ખબર સામે આવી રહી છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીનું તો રાજકોટમાં મનપાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરનું હાર્ટ એટેકને કારણે અચાનક મોત નીપજ્યુ. ત્યારે બંને પરિવારમાં હાલ ભારે શોકની લાગણી છવાઇ ગઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના એમએસ યુનિવર્સિટીનાં ઝુઓલોજીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી દીપ ચૌધરી બોઇસ હોસ્ટેલમાં મિત્રોને મળવા ગયો હતો અને આ સમયે જ તે હોસ્ટેલના કે.એમ.મુનશી હોલમાં મિત્રો સાથે વાતો કરી રહ્યો હતો અને અચાનક ઢળી પડ્યો. જો કે, તેને ઘટના બાદ તરત જ સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પણ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.બીજી વાત કરીએ તો, રાજકોટના મનપાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વી.વી.પટેલનું પણ હાર્ટ અટેકથી મોત નીપજ્યુ.
ઘટના બાદથી પરિવાર અને મનપા સ્ટાફમાં ઘેરા શોકની લાગણી છવાઇ ગઇ છે. હજુ તો સપ્તાહ પહેલા જ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે તેમની અહીં બદલી થઇ હતી. વિજયભાઇ સાંજે 7.30 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા, ત્યારે તેમને છાતીમાં દુ:ખાવો થતા પત્ની અને ઘરના અન્ય સભ્યો સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા અને પછી તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની સલાહ અપાતા 108માં લઇ જવામાં આવ્યા. જો કે, સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યુ હતુ.