વડોદરામાં 10 ફૂટ ઊંડા ખાડામાં પડેલી શ્રમિકની બાળકી મોત સામે હારી જંગ, ઝડપી રેસ્ક્યુ હાથ ધરાયુ છત્તાં ના બચાવી શકાઇ

વડોદરા : રમતા રમતા 10 ફૂટ ઊંડા ખાડામાં પડી બાળકી, મિનિટોમાં જ રેસ્ક્યૂ છત્તાં પણ ન બચાવી શકાયો જીવ

ફરી એકવાર બોરવેલમાં બાળકના પડી જવાની ખબર સામે આવી રહી છે, જે વડોદરાના છાણી જકાતનાકા પાસે યોગીનગર ટાઉનશિપ પાસે બની હતી. ઘટનાની જાણ કરાતા જ 13 ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી હતી અને આ સાથે પોલીસ પણ પહોંચી હતી. જો કે, બાળકી 10થી 15 ફૂટ ઊંડા ખાડામાં ફસાયેલ હતી અને તેના રેસ્ક્યૂની કામગીરી પણ તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી પણ મિનિટોમાં રેસ્ક્યુ છત્તાં પણ બાળકીનું પ્રાણપંખેરુ ઊડી ગયું.

10 ફૂટ ઊંડા ખાડામાં પડી શ્રમિકની બાળકી

જણાવી દઇએ કે, કન્સ્ટ્રક્શન સાઈટની કામગીરી દરમિયાન કરાયેલ પિલરના ખાડામાં 4 વર્ષિય બાળકી ટપુર રાય ખાબકી હતી અને અથાગ મહેનત પણ કરવામાં આવી, પણ બાળકીને ન બચાવી શકાઇ. તબીબે બાળકીને મૃત જાહેર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી. આ ઘટના સવારના 11 વાગ્યા આસપાસ બની હતી, બાળકીના માતા-પિતા ઘરે હતા અને બાળકી આ દરમિયાન રમતા-રમતા બાજુના ખેતરમાં ચાલી ગઈ, જ્યાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું.

મિનિટોમાં જ કરવામાં આવ્યુ રેસ્ક્યૂ

પતરાની ઓરડી બનાવવા માટે જે 8થી 10 ફૂટ ઊંડો ખાડો ખોદેલો હતો, ત્યાં બાળકી ઊંધા માથે પડી અને આની જાણ થતા જ પરિવારજનો દોડી ગયા અને તેને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કર્યા. જો કે, 11.30 વાગ્યે છાણી ટીપી 13 ફાયરબ્રિગેડને ઘટનાની જાણ કરવામાં આવી અને તરત જ ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

ના બચી શક્યો જીવ

જો કે, 10થી 15 મિનિટ જેટલો સમય પહોંચવામાં લાગ્યો અને 11.45 વાગ્યે ટીમે જેસીબી મશિન સહિતની મદદ વડે 20 મિનિટમાં જ બાળકીને બહાર કાઢી. પરંતુ તેને હોસ્પિટલ લઇ જવાતા તબીબે મૃત જાહેર કરી હતી. ખાડામાં બાળકી ઊંધા માથે પડી હોવાને કારણે તેનો જીવ ન બચી શક્યો.

Shah Jina