વડોદરા નેશનલ હાઇવે પર કન્ટેરમાં મારુતિ અલ્ટો ઘુસી ગઈ, એક પરિવારના 5 લોકોના મોત, માત્ર બાળકી જ બચી – જુઓ તસવીરો
ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં વડોદરા નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં કારમાં સવાર એક પરિવારના પાંચ લોકોએ જીવ ગુમાવ્યો અને માત્ર 4 વર્ષીય બાળકીનો આબાદ બચાવ થયો. બે ભાઈ, બંનેની પત્ની તેમજ એક વર્ષના માસૂમ બાળકનું અકસ્માતમાં મોત થતાં સન્નાટો છવાઈ ગયો.
પ્રાપ્ત જાણકારી અનુસાર, પ્રજ્ઞેશભાઈ પટેલનો પરિવાર મિત્ર દિલીપસિંહ પરમારના પરિવાર સાથે ગઈકાલે સવારે 9 વાગ્યે ભરૂચના નિકોરા ગામ ખાતે આવેલ પ્રજ્ઞેશભાઈના ખેતરમાં પિકનિક માટે ગયો હતો અને આ દરમિયાન પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, બંને ભાઈઓ સાથે રહેતા હતા. મૃતકોમાં પ્રજ્ઞેશભાઈ પટેલ, મયુરભાઈ પટેલ, ઉર્વશીબેન પટેલ, ભૂમિકાબેન પટેલ અને લવ પટેલનો સમાવેશ થાય છે જ્યારે 4 વર્ષિય અસ્મિતા પટેલ ઇજાગ્રસ્ત છે.
જણાવી દઇએ કે, વડોદરામાં રહેતા બે ભાઈઓનો પરિવાર ગતમોડી રાત્રે સુરત તરફથી વડોદરા આવી રહ્યો હતો અને આ દરમિયાન કાર સાઇડ પર ઉભેલા હેવી લોડેડ કન્ટેનરની પાછળ ધડાકાભેર અથડાઇ અને અતિ ગંભીર અકસ્માતને પગલે 5 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા.
જો કે, ઘટનાની જાણ થતા જ પોલીસ આવી પહોંચી હતી અને ગંભીરતાને ધ્યાને લઇ વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. અલ્ટો કારમાં સવાર એક વર્ષના માસૂમ બાળક સહિત પાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યાં પરંતુ તે બધા મૃત હાલતમાં હતા. જો કે, કારમાં સવાર ચાર વર્ષની એક બાળકીનો આબાદ બચાવ થયો હતો. મૃતક પરિવાર વડોદરાના સયાજીપુરા ગામ પાસે આવેલા સાગર ફિલ્મ સિટીની બાજુમાં માધવનગરમાં રહેતો હતો.
જણાવી દઇએ કે, નેશનલ હાઇવે સિવાય મધ્ય ગુજરાતમાં મોડી રાતે વધુ એક અકસ્માત સર્જાયો હતો. ખેડાની નડિયાદ પીજ ચોકડી બ્રિજ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. ટ્રક અને લાકડા ભરેલ ટ્રેકટર વચ્ચેના અકસ્માતમાં ટ્રેક્ટરના ડ્રાઇવર અને ક્લીનરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ.