વડોદરામાં રખડતા ઢોરે આધેડ પર હુમલો, જે હાલત થઇ એ વાંચીને રુવાડા ઉભા થઇ જશે

રાજયમાં રખડતા ઢોરનો આતંક છેલ્લા ઘણા સમયથી યથાવત છે.અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત અનેક શહેરોમાં રખડતાં ઢોરનો ત્રાસ સતત જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે ઘણીવાર તંત્રને પણ રજૂઆત કરવામાં આવી છે. રખડતા ઢોરનો ભોગ તો જનતા સિવાય કેટલાક નેતાઓ પણ બની ચૂક્યા છે. ઘણા લોકોએ રખડતા ઢોરને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે.

અમદાવાદના નરોડામાં થોડા સમય પહેલા ભાવિન નામના વ્યક્તિને રખડતા ઢોરે અડફેટે લીધો હતો અને તેને કારણે તેનું મોત નિપજ્યુ હતુ. જે બાદ કોર્ટ દ્વારા પણ તેમને વળતર ચૂકવવાનો આદેશ અપાયો હતો. ઘણીવાર કોર્ટ રખડતા ઢોર મામલે સરકારની ઝાટકણી પણ કાઢી ચૂકી છે. ત્યારે હાલમાં જ સમગ્ર દેશભરમાં દિવાળીની ઉજવણી થઇ હતી અને દીવાળીના તહેવાર ટાળે પણ રખડતાં ઢોરને પગલે ઈજા થવાની ઘટનાઓ સામે આવી.

સોમવારે સાંજે 6 વાગ્યાના અરસામાં વડોદરાના બાજવા સરકારી દવાખાના પાસે રહેતા આધેડ પર રખડતા ઢોરે હુમલો કર્યો હતો, જેને પગલે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત 55 વર્ષિય બાબુભાઈ ચૌહાણ નિવૃત્ત જીવન જીવે છે. બાબુભાઈ તેમને ત્યાં મહેમાન તરીકે આવેલા તેમના સ્વજનની સાથે બાઈક પર પાછળ બેસી નજીકમાં આવેલી છાણી તરફના રોડની ચાની લારીએ જતા હતા

ત્યારે જ માર્ગમાં બે લડતા આખલાઓને જોઈને તેઓ બાઈક થોભાવી સાઈડ ઉપર ઊભા રહી ગયા. અચાનક તેમના પર આખલાએ હુમલો કરતા તેઓ લોહીલુહાણ થયા હતા. આખલાએ તેમના મોઢાના ભાગે અને ગાલ પર બે પગથી વારંવાર હુમલો કર્યો હતો. ઘટનાને પગલે સ્થાનિક દોડી આવ્યા હતા અને આધેડને માંડ માંડ બચાવ્યા હતા. જે બાદ ઇજાગ્રસ્તને સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Shah Jina