હૈયુ હચમચાવી દે એવી ઘટના: કાકીએ 9 વર્ષની ભત્રીજીની ક્રૂર રીતે હત્યા કરી, કારણ હોંશ ઉડાવી દેશે

ઉપલેટા: ફૂલ જેવી માસૂમ આ દીકરીની જે રીતે હત્યા કરી એ જાણીને કાળજૂ કંપી જશે

ક્રોધની અંદર વ્યક્તિ પોતાના વિચારવાની તાકાત ખોઈ બેસે છે અને ઘણીવાર ક્રોધના કારણે જ કેટલીક એવી ઘટનાઓ બનતી હોય છે જેની આપણે કલ્પના પણ ના કરી હોય. આવી જ એક ઘટના રાજકોટના ઉપલેટામાં બની છે. જ્યાં કાકીના ગુસ્સાએ માસુમ ભત્રીજીનો જીવ લઇ લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉપલેટાના પાદવ રોડ ઉપર આવેલી સર્વોદય સોસાયટીમાં મા સમાન સગી કાકીએ ગુસ્સામાં આવીને 9 વર્ષની ભત્રીજી આયુષીને માથા પર દસ્તાના ઘા ફટકારી કરુણ હત્યા કરી નાખી હતી. તો આ ઘટના બાદ પતિ સાથે મળી તેને અકસ્માતનું રૂપ આપવાનો પણ પ્રયાસ કર્યો હતો, અને પુરાવાનો નાશ કરીને લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના જ અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

આ બાબતે મળી રહેલી વધુ વિગતો અનુસાર ઉપલેટામાં શહીદ ભગતસિહ ચોક નજીક અશોક સાબુના નામે સાબુની દુકાન ધરાવતા નિમાવત પરિવારના બન્ને ભાઈઓ ચેતન અને મયુર નિમાવત સર્વોદય સોસાયટીમાં સંયુક્ત કુટુંબમાં રહે છે. મોટાભાઈ ચેતનને સંતાનમાં બે પુત્રીઓ તથા નાના ભાઈ મયુરને બે પુત્રો છે.

આ પરિવાર સંયુક્ત કુટુંબમાં રહેતો હોવાના કારણે દેરાણી-જેઠાણી વચ્ચે અવાર નવાર કોઈને કોઈ બાબતને લઈને તકરાર થતી જોવા મળતી હતી. પરંતુ દેરાણી જેઠાણી વચ્ચેની આ તકરાર કોઈનો જીવ લઇ લેશે તેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ તકરારને લઈને કાકી વંદનાના મનમાં ઝેર ભરાયેલું હતું.

મનમાં ઝેર રાખીને બેઠેલ કાકી વંદનાએ બદલો લેવાની ભાવનાથી 2 દિવસ પૂર્વે એટલે કે તા. 8 જૂનના રોજ બાપરે ચાર વાગ્યાની આસપાસ આયુષી રૂમમાં ટીવી જોઈ રહી હતી ત્યારે ત્યારે તેમની કાકી વંદનાએ આવી આયુષીને કહ્યું “ચાલ બેટા તને કંઈક વસ્તુ અપાવું.” ત્યારબાદ આયુષિને અગાસી પર લઈ જઈ ધાબળા પર બેસાડીને કહ્યું તું ઊંધી સૂઈ જા. આયુષિ જેવી ધાબળા પર સૂતી તેની સાથે જ પાછળથી દસ્તાનો માથા પર ઘા ઝીંકી દીધો.

આયુષિ પડખું ફરીને સીધી થઈ તે સાથે જ કપાળની વચોવચ્ચ બીજો ઘા મારી ખોપરી ફાડી નાખી. બાદમાં બે હાથથી આયુષિની લાશ હાથમાં લઈ બીજામાળે પહોંચી લાશ દાદરા પર ફેંકી દીધી. મંગળવારે ચાર વાગ્યે ચેતનભાઈ અને તેના ભાઈ મયૂરને ઘરેથી ફોન આવે છે કે, આયુષિ દાદરા પરથી પડી ગઈ છે. માટે ઘરે આવો.

આ સમયે ચેતનભાઈએ મયૂરને કહ્યું કે, ઘરે રોજ ડખા ચાલે છે. માટે તું જા અને જોઈ આવ કે ઘરે શું થયું છે. મયૂરભાઈ તેમના ઘર પાસે પહોંચે તે પહેલાં તેમના પત્ની વંદનાબેન આયુષિને તેડીને ઘરની બાજુમાં જ રહેતા જય નામના યુવાનના એક્ટિવામાં બેસી જઈ રહ્યા હતા આથી મયૂરે કહ્યું કે, સીધા હોસ્પિટલે જ જઈએ અને ત્યાંથી બધા ડોક્ટર કણસાગરાની ક્રિષ્ના હોસ્પિટલમાં પહોંચ્યા. જ્યાં ડોક્ટરે આયુષિને તપાસીને મૃતજાહેર કરી અને પોસ્ટમોર્ટમ કરાવવા માટે સિવિલ લઇ જવાનું કહ્યું.

(પ્રતીકાત્મક તસવીર)

બપોરે સાડાચાર વાગ્યે હોસ્પિટલે આયુષિને લઈ જવાયા બાદ તેની લાશ સાંજના છ વાગ્યા સુધી ત્યાં જ પડી રહી. ત્યારબાદ મયૂરભાઈ આયુષિની લાશને ઘરે લઈ ગયા હતા. આ સમય દરમિયાન ચેતનભાઈ પોતાના ઘરે ગયા હતા અને આયુષિ જ્યાંથી પડી ગઈ હતી ત્યાં દાદરા પર જઈને જોયું તો ઉપરના માળે અને અગાસી પર લોહીના ડાઘ જોવા મળ્યા હતા. આથી તેમને શંકા જતા નાનાભાઈ મયૂરને પણ ઘરે બોલાવી લીધો હતો અને તેને કહ્યું કે, આ કામ વંદનાનું જ હોવું જોઈએ અને તેને જ આયુષિને મારી નાખી હતી.

આયુષિની વંદના નિમાવતે હત્યા કરી નાખ્યાની બન્ને ભાઈને જાણ હોવા છતાં બીજા માળના પગથિયાંથી અગાસી સુધીમાં જ્યાં પણ લોહીના ડાઘ હતા તે સાફ કરી નાખ્યા હતા અને અગાસી પર લોહીના ડાઘવાળું બ્લેન્કેટ અને ચાદર પણ સાફ કરવાની કોશિશ કરી હતી. બન્ને ભાઈઓએ નક્કી કર્યું કે, આ પ્રકરણમાં આપણે કંઈ કરવું નથી અને લાશનો બારોબાર નિકાલ કરી આવીએ. સાંજે છ વાગ્યે આયુષિની લાશને ખાનગી કારમાં ઘરે લઈ આવ્યા બાદ સગાં-વહાલા અને પાડોશી સહિત 15 વ્યક્તિએ આયુષિની અંતિમ વિધિ કરી નાખી અને મંગળવાળે રાત્રે 11 વાગ્યે બધા ઘરે આવી ગયા.

આયુષિની અંતિમ વિધિ કર્યા બાદ ચેતનભાઈ અને મયૂરે ઘરમાં બેસીને જ મનોમંથન કર્યું કે હવે આ બાબતે કરવું શું? બન્નેએ એમ પણ વિચાર્યું કે વંદનાના આવા ગુસ્સા ભર્યા સ્વબાવે આયુષીનો જીવ લઇ લીધો છે અને ભવિષ્યમાં પણ આવી બીજી કોઈ ઘટના બનશે તો ? જેના બાદ બન્ને ભાઈઓએ તેમના બનેવી હિતેષભાઈ, મોરબી રહેતા ચેતનભાઈના સસરા સહિત 4થી 5 સગાસંબંધીઓને જાણ કરી બધા એક સ્થળે ભેગા થયા, મિટિંગ કરીને એવું નક્કી કરાયું કે, હવે આ બાબતની જાણ પોલીસને કરી દેવી જોઈએ.

(પ્રતીકાત્મક તસવીર)

ત્યારે પોલીસમાં જાણ કરવાનું નક્કી કર્યા બાદ આયુષિના માતા કિરણબેન ગુરુવારે પોલીસ પાસે પહોંચ્યા અને સમગ્ર ઘટનાની જાણ કરાઈ. પોલીસે કરેલી તપાસમાં ઘણી જ હેરાન કરી દેનારી વિગતો બહાર આવી હતી. પોલીસે સાંયોગિક સહિતના પુરાવાઓ એકત્ર કર્યા. આયુષિની જ્યાં અંતિમ વિધિ કરવામાં આવી હતી ત્યાંથી રાખ અને અસ્થિ પણ પુરાવારૂપે એકત્ર કરાયા. એમ મળીને કુલ 35 વસ્તુ પોલીસે જપ્ત કરી અને આગળની તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં કેટલાક ચોંકાવનારા રહસ્યો પણ સામે આવ્યા હતા. આ બાબતે ઈન્સ્પેક્ટર જાડેજાએ જણાવ્યું હતું કે, મંગળવારે વંદનાનો પુત્ર ઓમ અને કિરણબેનની બીજી દીકરી કાવ્યા વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બધાએ વંદનાને જ દોષિત ઠેરવી હતી. આથી વંદના ગુસ્સે ભરાઈ હતી અને આયુષિને પતાવી દેવાનો પ્લાન કર્યો. તેના ભાગરૂપે અગાસી પર એક ધાબળો અને લોખંડનો દસ્તો સવારે જ અગાસી પર મૂકી આવી હતી. કિરણબેન, તેમની પુત્રી કાવ્યા અને વંદનાનો પુત્ર માનવ સાથે બીજા માળે એક રૂમમાં હતા. આયુષિના દાદા-દાદી અને વંદનાનો નાનો પુત્ર મંત્ર ગ્રાઉન્ડ ફ્લોર પર હતા. તે સમયે જ વંદનાએ આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.

વંદનાએ આયુષિની હત્યા કર્યા બાદ બાથરૂમમાં જઈ લોહીથી લથબથ કપડાં સાફ કર્યા અને દાદરા પરનું તેમજ અગાસીમાં લોહીના ખાબોચિયાં ભરાયાં હતા તે સાફ કરી નાખ્યા, તમામ સ્થળે પોતું પણ કરી નાખ્યું, એક બ્લેન્કેટ અને ચાદર લોહીથી સાફ કરી અગાસી પર સૂકવી દીધી. મંગળવારે બપોરે સાડાચાર વાગ્યા આસપાસ વંદનાએ નીચે આવીને બૂમાબૂમ કરી મૂકી કે ‘આયુષિ દાદરા પરથી પડી ગઈ છે’ ત્યારબાદ ઘરના સૌ સભ્યો ભેગા થઈ ગયા અને ખાનગી હોસ્પિટલે આયુષિને ખસેડી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

આયુષિએ જે કપડાં પહેર્યા હતા તે લોહીવાળા કપડાં વંદનાએ ટિપરવાનમાં નાખી દીધા હતા. આથી આ કપડાં કબજે કરવા માટે પોલીસે શહેરના ઉકરડાં પણ ફેંદી નાખ્યા હતા. પણ કપડાં મળ્યા ન હતા. તપાસનીશ પોલીસ અધિકારી જાડેજાએ જણાવ્યું હતું કે, ક્રિષ્ના હોસ્પિટલના ડોક્ટર કણસાગરાએ ઉપરોક્ત ઘટના અંગે પોલીસને જાણ નથી કરી આથી તેઓની આ કેસમાં શું ભૂમિકા છે તે મુદે્ પણ પૂછપરછ કરી તપાસ કરવામાં આવશે.

તો આ બાબતે ઉપલેટા પોલીસે આયુષિની હત્યા કરી નાખવાના કેસમાં વંદના નિમાવત અને પુરાવાનો નાશ કરવાના પ્રકરણમાં આયુષિના પિતા ચેતનભાઈ અને વંદનાના પતિ મયૂર નિમાવતની ધરપકડ કરી છે.

Niraj Patel