સીમા હૈદર UP ATSની હિરાસતમાં, પાકિસ્તાનથી આવેલી પ્રેમિકાની થઇ શકે છે ધરપકડ, જાણો સમગ્ર મામલો
UP ATS interrogated Seema Haider: હાલમાં પાકિસ્તાની મહિલા સીમા હૈદર અને સચિનની લવસ્ટોરી સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે. આ દરમિયાન સીમા હૈદર પર પાકિસ્તાની જાસૂસ હોવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે. ત્યાં યુપી એટીએસની ટીમે પાકિસ્તાની સીમા હૈદરને કસ્ટડીમાં લીધી અને તેની પૂછપરછ કરી. સીમા હૈદર શરૂઆતથી એટીએસના રડાર પર હતી,
તે તેના પ્રેમી સચિનને મળવા માટે નેપાળ થઈને ભારત આવી હતી.હવે એટીએસની ટીમ વોટ્સએપ ચેટ અને તમામ પુરાવાના આધારે વધુ પૂછપરછ હાથ ધરશે. આ સાથે સીમાના આઈડી કાર્ડ હાઈ કમિશનને મોકલવામાં આવ્યા છે અને જાણવા મળ્યું છે કે સીમાના કાકા પાકિસ્તાન આર્મીમાં સુબેદાર છે અને સીમાનો ભાઈ પાકિસ્તાની સૈનિક છે.
સીમા હૈદરની UP ATSએ કરી પૂછપરછ
ભારતની સુરક્ષા એજન્સી હવે સરહદ પર પૂછપરછ કરશે. લવ સ્ટોરીથી લઈને ભારત આવવા સુધીના તમામ પાસાઓ પર પૂછપરછ કરવામાં આવી રહી છે. યુપીના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે સીમા પાકિસ્તાની નાગરિક છે અને તેના આવવામાં ઘણી સમસ્યાઓ છે. આવી સ્થિતિમાં તેની પૂછપરછ કરવી જરૂરી છે, તેથી દેશની સુરક્ષા સાથે સંકળાયેલી આવી તમામ એજન્સીઓ તેની પૂછપરછ કરશે.સીમા અને સચિન 2019માં PUBG રમતી વખતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની લવ સ્ટોરી શરૂ થઈ હતી. આ પછી 13 મે 2023ના રોજ સીમા હૈદર નેપાળ થઈને ભારત આવી. ઉત્તર પ્રદેશ પોલીસ અનુસાર, સીમા અને સચિન ગ્રેટર નોઈડાના રબુપુરા વિસ્તારમાં રહે છે, જ્યાં સચિન કરિયાણાની દુકાન ચલાવે છે.
PUBG રમતી વખતે એકબીજાના સંપર્કમાં આવ્યા
પોલીસે સીમાને 4 જુલાઈના રોજ તેના ચાર બાળકો સાથે નેપાળમાં વિઝા વિના ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરવા બદલ ધરપકડ કરી હતી. આ સાથે સચિનને ગેરકાયદેસર શરણાર્થીને આશરો આપવાના આરોપમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો. જોકે બાદમાં બંનેને છોડી મુકવામાં આવ્યા હતા અને હવે ફરીથી યુપી એટીએસે સીમાની પૂછપરછ માટે અટકાયત કરી. વિઝા વગર ગેરકાયદેસર રીતે ભારત આવેલ સીમા હૈદરની લગભગ 6-8 કલાક પૂછપરછ થઇ હતી. તે બાદ યુપી એટીએસ દ્વારા સીમા હૈદર, સચિન અને સચિનના પિતાને ઘરે જવા દેવામાં આવ્યા હતા. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, ઈન્ટેલિજન્સ બ્યુરોને ઈનપુટ મળ્યા છે કે સીમા હૈદરના કાકા પાકિસ્તાન આર્મીમાં સુબેદાર છે અને તેનો ભાઈ પાકિસ્તાની આર્મીમાં છે.
સીમાના કાકા અને ભાઈનું પાકિસ્તાની સેના સાથે કનેક્શન
આ પહેલા સીમા હૈદરે તેના ભાઈ વિશે કહ્યું હતું કે તે સેનામાં નથી, પરંતુ સેનામાં જોડાવાની તૈયારી કરી રહ્યો છે. હવે આ સંબંધમાં ATSએ બંનેની પૂછપરછ હાથ ધરી છે. UP ATSએ પહેલા સીમા હૈદર, સચિન અને સચિનના પિતાની અલગ-અલગ પૂછપરછ કરી હતી. ત્યારબાદ સીમા અને સચિનની સાથે બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન તેની પાસેથી પાકિસ્તાનથી ભારત આવવા અંગે માહિતી માંગવામાં આવી હતી. મોબાઈલ અને પાસપોર્ટને લગતા પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા. સીમા હૈદરનો પાસપોર્ટ તપાસ માટે મોકલાયો અને તેના મોબાઈલની વિગતો પણ તપાસવામાં આવી રહી છે. આ દરમિયાન નોઈડા પોલીસે સીમાના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે, સચિનના પરિવારને કોઈને મળવા દેવામાં આવી રહ્યા નથી.
સચિન સાથે નેપાળના કાઠમંડુમાં કર્યા હતા લગ્ન
મળતી માહિતી મુજબ, UP ATS તેને પાકિસ્તાનથી ભારતમાં લઈ જવામાં સામેલ લોકોના સમગ્ર નેટવર્કની તપાસ કરશે. સીમાનો દાવો છે કે તે PUBG રમતી વખતે સચિન મીનાના પ્રેમમાં પડી હતી અને તેના પ્રેમમાં ચાર બાળકો સાથે ભારત આવી ગઈ. તેણે નેપાળના કાઠમંડુમાં સચિન સાથે લગ્ન કર્યા. સીમાનો પાકિસ્તાની પતિ ગુલામ હૈદર દુબઈમાં નોકરી કરે છે. પાંચ ધોરણ સુધી ભણેલી એક મહિલા કરાચીથી બાળકો સાથે નેપાળ આવે છે અને ત્યાંથી નોઈડા પહોંચે છે. સીમા યોગ્ય હિન્દી બોલે છે અને અંગ્રેજી શબ્દો પણ જાણે છે. સીમા ભારત આવવા વિશે જે વાર્તા કહી રહી છે તેમાં ઘણા ટ્વિસ્ટ અને ટર્ન છે.
પરિવારને છોડીને 4 બાળકો સાથે આવી ભારત
પોતાના પરિવારને છોડીને ચાર બાળકો સાથે ભારત આવીને માત્ર પ્રેમ માટે જ આ કહાની ઘણા લોકો અપનાવી રહ્યા નથી. સવાલ એ છે કે શું તે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી. જ્યારે બીજું એ કે તેણે પોતાની ઓળખ છુપાવી. નોઈડામાં નકલી કહાની કહીને ભાડે મકાન લીધા પછી તે વકીલના માધ્યમથી બનાવટી દસ્તાવેજો લેવા ગઈ, ત્યારે તેનું રહસ્ય ખુલ્યું. આ પછી નોઈડા અને ગાઝિયાબાદ પોલીસ બોર્ડર મુદ્દે તપાસ કરી રહી છે. સવાલ એ છે કે શું સીમા જેવી પાકિસ્તાની મહિલાઓ પહેલા નેપાળ થઈને ભારત આવી છે. આ અંગે ગંભીરતાથી તપાસ કરવાની જરૂર છે.
2 પાસપોર્ટ અને 4 મોબાઈલ શંકાના દાયરામાં
સમગ્ર તપાસમાં સીમાના બે પાસપોર્ટ અને 4 મોબાઈલ સૌથી વધુ શંકાના દાયરામાં છે. હાલમાં યુપી પોલીસ, એટીએસ અને આઈબીને સીમાની વાર્તા પર ઘણી શંકા છે. સીમા પાકિસ્તાનથી આવી છે અને પરત ફરવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી રહી છે. સીમા જે રીતે ભારતીય મીડિયા સાથે કોઈપણ તાલીમ વિના અને જેટલી આરામદાયક વાત કરી રહી છે તે સવાલ ઊભા કરે છે. થોડા દિવસથી ભારતમાં રહેતી સીમા શુદ્ધ હિન્દી અને અંગ્રેજી પણ બોલચાલમાં વાપરી રહી છે. ઉર્દૂ બોલતી સીમા અચાનક શુદ્ધ હિન્દી બોલવા લાગે છે અને તેને હિંદુ સંસ્કૃતિ વિશે પણ ઘણું જ્ઞાન છે. આ ઉપરાંત સીમા પાસે 2 પાસપોર્ટ અને 4 મોબાઈલ ફોન ઉપરાંત નકલી દસ્તાવેજો પણ મળી આવ્યા છે.
સીમાના દરેક દસ્તાવેજમાં તેની ઉંમર અલગ-અલગ
ધોરણ 5 ભણેલી સીમા PUBGની સારી ખેલાડી છે. તેણે મારિયા ખાનના નામે આઈડી બનાવ્યું હતું. સીમાએ પોતાનું નામ બદલીને આઈડી કેમ રાખ્યું? સીમાના દરેક દસ્તાવેજમાં તેની ઉંમર અલગ-અલગ છે. તે પોતાની જાતને 30 વર્ષની હોવાનું જણાવે છે, જોકે પાકિસ્તાનમાં એક દસ્તાવેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેની જન્મતારીખ 1990 પહેલાની છે. રાબુપુરા પોલિસે સીમાના ઘણા દસ્તાવેજ જપ્ત કર્યા, જેમાં સીમા હૈદરના બે પાસપોર્ટ, એક સીમાના નામે છે અને બીજી સીમા હૈદર ઝૈદીના નામે છે. આ ઉપરાંત બાળકોના 4 પાસપોર્ટ, પાકિસ્તાનનું કુટુંબ નોંધણી કાર્ડ, 4 જુદા જુદા મોબાઈલ ફોન અને નંબર. આમાંથી એક ભારત આવતા પહેલા ખરીદ્યું હતુ. આ ઉપરાંત કેટલાક કપડા અને મેકઅપનો સામાન..