મહાકાલ મંદિરના પુજારીઓ દ્વારા “OMG-2″ના નિર્માતાઓને આપી ચેતવણી, કહ્યું, “ફિલ્મમાં આપત્તીજનક ડાયલોગ અને સીન હોય તો હટાવી લેજો, નહિ તો…”

રિલીઝ પહેલા જ વિવાદોમાં આવેલી ફિલ્મ “OMG 2″ને વધુ એક ફટકો, મહાકાલ મંદિરના પૂજારીઓ દ્વારા આપવામાં આવી આ ચેતવણી, જુઓ

Ujjain Mahakal Pujari On OMG 2 Makers :હાલ બોલીવુડની ફિલ્મો રિલીઝ થતા પહેલા જ ચર્ચામાં આવી જતી હોય છે, તો ઘણી ફિલ્મો રિલીઝ થયા બાદ પણ ટ્રોલિંગનો સામનો કરે છે. “આદિપુરુષ” ફિલ્મને લઈને આજે પણ દર્શકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો હવે આવતા મહિને રિલીઝ થનારી ફિલ્મ “OMG 2″ના ટીઝરમાં બતાવવામાં આવેલા એક સીનને લઈને પણ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જેમાં ભગવાન શિવનું પાત્ર નિભાવી રહેલા અક્ષય કુમારનો રેલવેના પાણીથી અભિષેક બતાવવામાં આવ્યો હતો.

મહાકાલ મંદિરમાં 7 દિવસ ચાલ્યું હતું શૂટિંગ :

“ઓહ માય ગોડ” ફિલ્મનું શૂટિંગ મહાકાલેશ્વર મંદિરના પરિસરમાં 7 દિવસ સુધી થયું હતું. દરમિયાન, આ ફિલ્મના સેટને લઈને વિવાદ થયો હતો. આ ફિલ્મના શૂટિંગ માટે મહાકાલેશ્વર મંદિરે 51 હજાર રૂપિયાની રસીદ કાપી હતી. સેન્સર બોર્ડે ફિલ્મને સર્ટિફિકેટ આપવાનો ઈન્કાર કરી દીધો છે. સેન્સર બોર્ડની કાર્યવાહી બાદ મહાકાલ મંદિરના પૂજારીઓ પણ ફિલ્મને લઈને નારાજ છે.

પુજારીઓએ આપી ચેતવણી :

મંદિરના પૂજારી મહેશ શર્માએ ચેતવણી આપી છે કે જો સનાતન ધર્મને લગતા વિવાદો સામે આવશે તો તેનો જોરદાર વિરોધ કરવામાં આવશે. મહાકાલ મંદિરના પૂજારીઓએ કહ્યું છે કે વાંધાજનક શોટ અને ડાયલોગ રિલીઝ પહેલાં દૂર કરવા જોઈએ. આ સાથે સંતો-મુનિઓની અનુમતિ લઈને ફિલ્મ રિલીઝ થવી જોઈએ. જણાવી દઈએ કે ભગવાન મહાકાલ કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આવી સ્થિતિમાં ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અર્થ નવો વિવાદ ઊભો કરવાનો છે.

આપત્તીજનક ડાયલોગ અને સીન દૂર કરવા કહ્યું :

મહાકાલેશ્વર મંદિરના પૂજારીઓએ પણ નિર્દેશકને કડક ચેતવણી આપી છે. પૂજારીઓનું કહેવું છે કે સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે સેન્સર બોર્ડે પણ ફિલ્મને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. ફિલ્મના દિગ્દર્શકને વિનંતી કરવામાં આવે છે કે તે ફિલ્મમાંથી કોઈપણ વાંધાજનક દ્રશ્ય અથવા સામગ્રીને તાત્કાલિક અસરથી દૂર કરે. અન્યથા સખત વિરોધનો સામનો કરવા તૈયાર રહો. ફિલ્મ ઓહ માય ગોડ ભગવાન શિવ અને ભક્ત પંકજ ત્રિપાઠીની ઉપર બતાવવામાં આવી છે. જેના માટે સેન્સર બોર્ડે પણ વાંધો ઉઠાવ્યો છે. આ ફિલ્મને લઈને ઈન્દોર સહિત ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન પણ શરૂ થઈ ગયા છે.

Niraj Patel