ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. યુવાનોના પણ હાર્ટ એટેકથી થતા મોત એ ચિંતાનો વિષય બની રહ્યો છે. છેલ્લા કેટલાક જ સમયમાં ગુજરાતમાંથી 20થી પણ વધારે લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. ત્યારે હાલમાં વધુ એક હાર્ટ એટેકથી મોતનો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈથી ટ્રકમાં હીટાચી ભરીને બેચરાજી આવેલા ટ્રક ડ્રાઇવરને એકાએક છાતીમાં દુખાવો ઉપડતા તેનું મોત નીપજ્યું.
મુંબઈથી ટ્રકમાં હિટાચી ભરીને બેચરાજી ખાતે બે ટ્રક ડ્રાઈવરો આવ્યા હતા અને તેમાં ઈશ્વરભાઈ નામનો ટ્રક ડ્રાઇવર હિટાચી ખાલી કરવા પહોંચ્યો અને અન્ય એક દ્વારકાનો ડ્રાઇવર બેચરાજી ખાતે આવ્યા. જ્યાં હેમંત ભાઈને એકા એક છાતીમાં દુખાવો ઉપડતા તેઓએ ઈશ્વરભાઈને ઝડપી ટ્રક પાસે આવવા ફોન કર્યો. જો કે ઈશ્વરભાઈ દૂર હોવાથી તેઓએ રિક્ષામાં બેસી તાત્કાલિક હોસ્પિટલ જવાની જાણ કરી હતી.
બેચરાજી બસ સ્ટોપ પાસે ડ્રાઇવર હેમંત ચાની કીટલી પર ચા પીવા માટે ઉભો હતો ત્યારે ચા પીતા પીતા અચાનક ઢળી પડ્યો અને તે બાદ સ્થાનિક લોકોએ 108ને જાણ કરતા તે પહોંચી. જો કે, ડ્રાઈવરને પ્રાથમિક સારવાર આપ્યા બાદ સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા બાદ મૃત જાહેર કરાયો હતો. રાજ્યમાં હાલમાં જ ત્રણેક જેટલા હાર્ટ એટેકની ઘટના સામે આવી હતી. ત્યારે હવે અવાર નવાર આવી ઘટના સામે આવતા લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.