રાજકોટમાં ટ્રાફિક પોલીસકર્મીએ જ સર્જ્યો ભયાનક અકસ્માત, નશામાં ધુત્ત હોવાની વાતો ચર્ચાઈ, વર્ધીમાં હોવાના કારણે શર્ટ પણ કાઢી નાખ્યું, જુઓ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી છે, ઘણા લોકો અકસ્માતનો ભોગ બની અને મોતને પણ ભેટતા હોય છે, તો ઘણા લોકો નશાની હાલતમાં ડ્રાઈવ કરી અને પોતાની સાથે બીજાના પણ જીવ જોખમમાં મુકતા હોય છે, પરંતુ જયારે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા વાળા પોલીસકર્મીઓ જ નિયમોને નેવે મૂકીને ડ્રાઈવ કરે ત્યારે શું કરવું ?

આવી જ એક ઘટના હાલ રાજકોટમાંથી સામે આવી છે. રાજકોટ શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર બે કાર સામે સામે અથડાતા એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક દંપતીને ઇજા થઇ હતી, જયારે જે કાર દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો તે કાર ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત તે ચાલકની ઓળખ ટ્રાફિક પોલીસકર્મી તરીકે થઇ હતી.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર બે દિવસ પહેલા એક વેપારી શૈલેષભાઇ હરખાભાઇ ઘોડાસરા તેમની પત્ની સાથે રાત્રે 12 વાગ્યાની આસપાસ એક પ્રસંગ પતાવીને તેમના ઘર તરફ કારમાં આવી રહ્યા હતા, ત્યારે જ 150 ફૂટ રિંગ રોડ ઉપર બાપુની હવેલી હોટલ પાસે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી અર્ટિગા કાર નંબર GJ03ER2064એ તેમની કિયા કારણે સામેથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.

જેમાં કારમાં સવાર દંપતીને ઈજાઓ થઇ હતી અને કારને પણ નુકશાન થયું હતું. આ ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી હતી અને આસપાસના લોકો પણ એકઠા થઇ ગયા હતા. જેમાં જાણવા મળ્યું કે અર્ટિગા કારની આગળ પોલીસ લખેલું હતું સાથે જ કારનો ચાલક નશાની હાલતમાં હતો. જેની ઓળખ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવી રહેલા રવિ ગઢવી તરીકે થઇ હતી.  જેના બાદ પોલીસ અકસ્માત સર્જનારા પોલીસકર્મીને વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી. હાલ પોલીસે કોન્‍સ્‍ટેબલ રવી ગઢવી સામે અકસ્‍માત અને ડ્રીંક એન્‍ડ ડ્રાઇવનો ગુન્‍હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Niraj Patel