ખમણ,ઢોકળા, ફાફડા, જલેબી અને પાત્રા લઈને કેબીસીનાં સેટ ઉપર પહોંચ્યા જેઠાલાલ, પોપટલાલે બીગબીને કહ્યુ- “મારા લગ્ન કરાવી આપો !”

ટીવીના સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 14 વર્ષથી દર્શકોનો લોકપ્રિય શો બની રહ્યો છે, તો બીજી તરફ કૌન બનેગા કરોડપતિ પણ દર્શકો વચ્ચે ખુબ જ લોકપ્રિય છે. પરંતુ કેબીસીના આવનારા એપિસોડમાં તારક મહેતાની આખી ટીમ કેબીસીમાં રમઝટ જમાવતી જોવા મળવાની છે. જેના વીડિયો પણ સામે આવ્યા છે.

સોની ટીવી દ્વારા આ કેબીસીનાં સેટ ઉપર આવેલ તારક મહેતાની ટીમનો એક પ્રોમો બતાવવામાં આવ્યો છે. જેમાં જેઠાલાલ (દિલીપ જોશી), બાપુજી (અમિત ભટ્ટ), પોપટ લાલ (શ્યામ પાઠક) અને સર્જક અસિત કુમાર મોદી પણ ‘કૌન બનેગા કરોડપતિ 13’ના આ તબક્કે પહોંચી ગયા છે.

એટલું જ નહિ તેમના ઉપરાંત શોની આખી ટીમ કેબીસીનાં સેટ ઉપર પહોંચેલી જોવા મળી હતી. તારક મહેતાની ટીમમાંથી કુલ 21 જણા કેબીસીનાં સેટ ઉપર આવી પહોંચ્યા હતા.  શાનદાર શુક્રવારના આ એપિસોડમાં ગોકુલધામ નિવાસી એટલે કે ‘તારક મહેતા’ના તમામ કલાકારોએ હલ્લો મચાવી દીધો છે.

આટલા બધા લોકોને એકસાથે જોઈને અમિતાભ આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે  “તમે 21 લોકો છો?” જેના બાદ દિલીપ જોષી તેમની પરેશાનીઓ હળવી કરતાં કહે છે, ‘2 ત્યાં બેસી જશે તો શું થશે, બાકીના પંગત લગાવીને બેસી જશે. જેના પર અમિતાભના મોઢામાંથી નીકળે છે  “હે ભગવાન.”!

આ ઉપરાંત અમિતાભ જયારે કહે છે કે એક નાનકડો બ્રેક લઇ લઈએ ત્યારે દિલીપ જોશી ગુજરાતી વાનગીઓ લઈને સેટ ઉપર આવી પહોંચે છે. તે પણ આ પ્રોમો વીડિયોમાં જોઈ શકાય છે. જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી અમિતાભને કહે છે, “ગરબા તો કરવા જ પડે !” અને પછી શોના બધા જ કલાકારો ગરબા કરવામાં લાગી જાય છે.

અન્ય એક વીડિયોમાં જેઠાલાલ અમિતાભને પૂછતા જોવા મળે છે કે “શું તેઓ હજુ પણ અભિષેક બચ્ચનને ઠપકો આપે છે.” આના પર બાપુજી તેમની સામે અકળાઈને જોતા નજર આવે છે. આ ઉપરાંત વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે પોપટલાલ અમિતાભને કહે છે કે “શું તે તેમના લગ્ન કરાવી આપશે, મને લોટ બાંધતા પણ આવડે છે.” જેના પર અમિતાભ પણ હસવા લાગે છે.

સોની દ્વારા શેર કરવામાં આવેલા પ્રોમો વીડિયો જોઈને સ્પષ્ટ લાગી આવે છે, આવનારા શુક્રવારનો એપિસોડ તારક મહેતા અને કેબીસીના ચાહકો માટે ખુબ જ ખાસ બની જવાનો છે. કેબીસીનો આ એપિસોડ દર્શકોને ભરપૂર મનોરંજન કરાવશે એ નક્કી છે.

Niraj Patel