ખબર

500 કરોડની સહાય સરકારે ના આપતા સંચાલકો નારાજ, એકસાથે હજારો પશુઓને રસ્તા પર છોડી મુકાયાં- જુઓ તસવીરો

ગુજરાતમાં પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકો સરકારથી નારાજ ચાલી રહ્યા છે. સરકારે જાહેર કરેલી રૂપિયા 500 કરોડની સહાય ગૌશાળા પાંજરાપોળોને ના ચૂકવતાં સંચાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આને લઇને આજે ડીસા સહિત બનાસકાંઠાની તમામ ગૌશાળાઓમાંથી અબોલ પશુઓને છોડી મૂકવામાં આવ્યા છે. જેને લઇને પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. સંચાલકોએ પશુઓ છોડી મૂકતાં ભારે અફરાતફરી સર્જાઇ છે.

જિલ્લામાં આવેલી 170 ગૌશાળા અને પાંજરાપોળમાંથી પશુઓને ખૂલ્લા મૂકી દેવાયા છે. તેના કારણે આ પશુઓ ફરતા ફરતા સરકારી કચેરીઓમાં પહોંચી ગયા હતા. ઉતર ગુજરાતના ગૌશાળાઓ પાંજરાપોળના સંચાલકોએ આક્ષેપ કર્યો કે, પશુ નિભાવ માટે જે 500 કરોડની સહાય સરકાર દ્વારા હજુ સુધી આપવામાં આવી નથી. ત્યારે 6 મહિના પછી પણ સહાય પેટે એક રૂપિયો પણ ન ચૂકવતાં સંચાલકોએ અનેક રીતે આંદોલન કરી સરકારને રીઝવવાનો તમામ પ્રયાસો કર્યો

અને છેલ્લે સમગ્ર ગુજરાત બંધનું એલાન પણ આપ્યુ અને સરકારને 24 કલાકમાં સહાય ચૂકવવાનો અલ્ટિમેટ આપ્યું. જો આવું ન થાય તચો તમામ ઢોરોને પાંજરાપોળ ગૌશાળાઓમાંથી છોડી સરકારી કચેરીઓમાં પૂરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી. ત્યારે સરકારના પેટનું પાણી ન હલતાં આજે વહેલી સવારના રોજ વાવ તાલુકાના ભાટવર ગામ અને લખાની સહિત બનાસકાંઠાની તમામ ગૌશાળા પાંજરાપોળોમાંથી ઢોરોને છોડી મૂકવામાં આવ્યાં હતા.

જો કે, આને પગલે પોલિસ પણ દોડતી થઇ ગઇ હતી અને સંચાલકોમાં આક્રોશ વધતાં તેઓએ શિક્ષણમંત્રી કીર્તિસિંહ વાઘેલાનો ઘેરાવો કર્યો હતો. સંચાલકોએ ઢોર છોડ્યા હોવાની જાણ પોલિસને થતા પોલીસે રાતથી જ તમામ ગૌશાળાઓ આજુબાજુ બેરિકેડ્સ ઉતાર્યા હતા અને મોટી પોલીસ ફોર્સ પણ ઉતારી હતી. તેમ છતાં સંચાલકોએ સવારે ઢોર છોડી મૂકતાં પોલીસે ઘણી કોશિશો કરી પરંતુ તમામ ઢોરોએ શહેરો તરફ પ્રવેશ કર્યો હતો.

સરકારે 500 કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી, તો પણ ગૌશાળા અને પાંજરાપોળને એકપણ રૂપિયાની સહાય મળી નથી. જેને પગલે તેઓ વારંવાર રજૂઆત પણ કરી ચૂક્યા છે. તેમ છતાં પણ સરકારે સંચાલકોની વાત નથી સાંભળી અને હવે રોષે ભરાયેલા સંચાલકોએ સરકાર સામે બાંયો ચઢાવી છે.

જણાવી દઇએ કે, બનાસકાંઠામાં લગભગ 160 જેટલી ગૌશાળાઓમાં 80 હજાર જેટલાં પશુઓ આશ્રય લઈ રહ્યાં છે અને આજે તમામ પશુઓને રસ્તા પર છોડી મૂકવામાં આવ્યા છે. સંચાલકો દ્વારા સરકારી કચેરીઓમાં ઢોરોને છોડી દેવાની ચીમકીને પગલે પોલીસ પણ એલર્ટમોડમાં છે અને કાયદો તેમજ વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે એ માટે ડીસાની ગૌશાળા અને પાંજરાપોળ આગળ પણ બેરિકેડ્સ ગોઠવી દેવાયાં છે.