9 માસુમ લોકોને કચડનાર તથ્ય પટેલનો પરિવાર રાતોરાત ઘરે તાળા મારીને ગાયબ, હવે થયો નવો ખુલાસો

Ahmedabad Iskcon Bridge Accident : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં કેટલાય લોકોના મોત પણ નિપજતા હોય છે. તો ઘણી હિટ એન્ડ રનની પણ ઘટનાઓ સામે આવે છે. છેલ્લા થોડા સમયમાં જ અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઇવે પર પૈસાદાર બાપના નબીરાઓ દ્વારા લક્ઝુરિયસ કારને પુરપાટ ઝડપે હંકારીને અકસ્માત સર્જવાની પણ ઘટનાઓ સામે આવી ચુકી છે, ત્યારે ગતરોજ એક રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી હતી.

ઇસ્કોન બ્રિજ પર સર્જાઈ ઘટના :

જેમાં ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે એક ડમ્પરની પાછળ એક થાર કાર ઘુસી ગઈ હતી. આ અકસ્માતને જોવા માટે લોકોના ટોળા પણ એકઠા થઇ ગયા હતા, પરંતુ ત્યારે જ 160થી વધુની સ્પીડે આવી રહેલ એક જેગુઆર કારે આ ટોળાને ટક્કર મારી અને આ ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ સહીત 9 લોકોના દુઃખદ મોત નિપજ્યા જયારે 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતની ખબર સાંભળતા જ આખું અમદાવાદ અને ગુજરાત પણ ધ્રુજી ઉઠ્યું હતું.

પરિવાર ઘરે તાળા મારીને ગાયબ :

આ અકસ્માત સર્જનાર ગોતાના કુખ્યાત પ્રજ્ઞેશ પટેલનો દીકરો તથ્ય પટેલ હોવાનું સામે આવ્યું હતું. 9 લોકોના મોત માટે જવાબદાર તથ્ય પટેલ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તો બીજી તરફ તેનો પરિવાર ઘરે તાળા મારીને ફરાર થઇ ચુક્યો છે. ત્યારે પોલીસ પણ હવે તથ્યના હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાની સાથે જ તેની ધરપકડ કરવાની કાર્યવાહી પણ હાથ ધરી શકે છે. પોલીસે આ માટેની કવાયત પણ શરૂ કરી દીધી છે.

આરોપી સિમ્સ હોસ્પિટલમાં દાખલ :

ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલો આ અકસ્માત અમદાવાદનો સૌથી મોટો અકસ્માત હોવાનું પણ કહેવાય છે, અકસ્માત બાદ સ્થાનિક લોકોએ કાર ચાલાકને મેથી પાક પણ ચખાડ્યો હતો. આ સમયે કારમાં તેની સાથે અન્ય લોકો પણ હતા જેમાં એક યુવતી પણ હતી, ઘટના બાદ યુવતી ત્યાંથી ફરાર થઇ ગઈ હતી. ત્યારે આરોપી તથ્ય પટેલને સિમ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં પણ આવ્યો હતો. જ્યાં હાલ પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે.

Niraj Patel