‘સિંઘમ’ ફેમ આ દિગ્ગજ એક્ટરનું હાર્ટ એટેકથી નિધન, બે અઠવાડિયાની અંદર ચોથા એક્ટરના નિધનથી સેલેબ્સ અને ચાહકો આઘાતમાં

પ્રખ્યાત તમિલ અભિનેતા અને રાજકારણી અરુલમણિએ 65 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકોનું દિલ તૂટી ગયું છે. સાઉથ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ સાથે સાથે ફેન્સ પણ સોશિયલ મીડિયા દ્વારા દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અરુલમણિ ‘સિંઘમ’, ‘અઝગી’, ‘થેંડરાલ’ અને ‘થંડાવક્કોન’ જેવી ફિલ્મોમાં તેમના જોરદાર અભિનય માટે જાણીતા છે. પ્રાપ્ત જાણકારી મુજબ, ગુરુવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું નિધન થયું હતું.

તેમના આકસ્મિક નિધનના સમાચારથી તમિલ ફિલ્મ ઉદ્યોગ અને રાજકીય સર્કલ આઘાતમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના નિધનના સમયે અભિનેતા સક્રિય રીતે રાજકીય અભિયાનમાં સામેલ હતા અને તેમની લોકસભા પાર્ટી ‘AIADMK’ માટે પ્રચાર કરી રહ્યા હતા. જો કે આ દરમિયાન તેમની તબિયત લથડી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘સિંઘમ’ એક્ટર અરુલમણિ રાજકીય પ્રચારમાં ઊંડી ભાગીદારીને કારણે લાંબા સમયથી પ્રચારમાં વ્યસ્ત હતા.

ગુરુવારે ઘરે પરત ફર્યા પછી તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને પછી તેમને તાત્કાલિક ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોની એક ટીમ તમામ પ્રયત્નો છતાં તેમને બચાવવામાં નિષ્ફળ રહી અને મોડી રાત્રે તેમનું નિધન થઇ ગયું. અરુલમણિએ અડ્યાર ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાં અભિનયની તાલીમ લીધી અને સિંઘમ 2, સામાનિયાન, સ્લીપલેસ આઈઝ, થેંડરાલ અને થાંડાવકોન જેવી તમિલ ફિલ્મોમાં અભિનય કર્યો અને સાથે સુર્યા અને રજનીકાંત જેવા કલાકારો સાથે પણ કામ કર્યુ.

અરુલમણિ એક દયાળુ વ્યક્તિત્વ તરીકે પણ જાણીતા હતા, તેમણે ઘણા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરી છે. તેમના પરિવારમાં પત્ની અને બે બાળકો છે જેમાં એક પુત્ર અને એક પુત્રી. આ વર્ષે તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ઘણા ખરાબ સમાચાર સામે આવ્યા છે. અરુલમણિ પહેલા 26 માર્ચે કોમેડિયન સેશુનું 60 વર્ષની વયે અવસાન થયું. આ પછી ડેનિયલ બાલાજીનું 29 માર્ચના રોજ હાર્ટ એટેકથી અવસાન થયું હતું. 2 એપ્રિલે વિશ્વેશ્વર રાવનું 64 વર્ષની વયે કેન્સરને કારણે અવસાન થયું હતું.

Shah Jina