રક્ષાબંધનમાં રાખડી બાંધે તે પહેલા જ સુરેન્દ્રનગરમાં 3 સગા ભાઈ-બહેનો સહિત પાંચના મૃત્યુ…જાણો સમગ્ર વિગત

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતે મોત કે કેનાલ કે તળાવમાં ડૂબી જવાને કારણે મોત થઇ હોવાના સમાચાર સામે આવતા રહે છે. હાલમાં સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના મેથાણ ગામ નજીક તળાવડીમાં ડુબી જવાને કારણે 5 બાળકોનાં મોત થયા હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે. મેથાણ અને સરવાળ ગામ વચ્ચે આવેલી તળાવડીમાં બાળકો નહાવા પડ્યા હતા અને આ દરમિયાન રમતાં રમતાં બાળકો ડુબી ગયા હતા. સ્થાનિકો દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી અને ત્યારે પોલીસે ફાયર ફાઇટર અને તરવૈયાની મદદથી લાશ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. (તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

એક સાથે પાંચ-પાંચ બાળકોના મોત થઇ જવાને કારણે સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. આ ગોઝારી ઘટનામાં મૃત્યુ પામનારમાં ચાર દીકરી અને એક દીકરાનો સમાવેશ છે. ઘટનાની વિગત જોઇએ તો, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના મેથાણ ગામ નજીક તળાવડીમાં ડૂબી જતાં ચાર બાળકી સહિત પાંચ બાળકોના મોત થતા ચકચાર મચી જવા પામી છે. મૃતકોમાં 5 વર્ષિય પ્રિયંકા પારસીંગભાઈ, 7 વર્ષિય દિનકી પારસીંગભાઈ, 10 વર્ષિય અલ્કેશ પારસીંગભાઈ, 9 વર્ષિય લક્ષ્મી પ્રતાપભાઈ અને 7 વર્ષિય સંજલા પ્રતાપભાઈ સામેલ છે.

બાળકોના ડૂબ્યાની જાણ સ્થાનિકોને થતા તેમણે ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરી હતી અને તે બાદ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોચી ફાયર અને તરવૈયાની ટીમની મદદથી મૃતદેહો બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. એકસાથે પાંચ બાળકોના મોત થતા પરિવારમાં પણ માતમ છવાયો છે. આ અંગે ધ્રાંગધ્રાના મેથાણ ગામના સરપંચે દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું હતુ કે, ખેતમજૂરી કામે આવેલા બે આદિવાસી પરિવારના પાંચ બાળકો રોજ આ તળાવમાં ન્હાવા જતા અને રોજની જેમ જ આજે પણ તળાવમાં તેઓ ન્હાવા પડ્યા,

પરંતુ આજ રોજ તેમના ડૂબી જવાથી ચાર બાળકી અને એક બાળકનું મોત નિપજ્યું. બાળકો જોવા ન મળતા પારસીંગભાઇ તળાવ બાજુ ગયા ત્યારે તળાવમાં એક બાળકીની લાશને તેમણે તરતી જોઇ અને પછી તેમણે બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા. પારસીંગભાઇ આદિવાસી છોટા ઉદેપુર જિલ્લાના બોડ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યુ છે. જ્યારે પ્રતાપભાઈ આદિવાસી મધ્યપ્રદેશના હરીરાજપુર જિલ્લાના ગમતા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

Shah Jina