હે રામ….હે રામ…ચાર ધામની યાત્રાએ ગયેલી સુરતની પરિણીતાનું બ્રેઈન સ્ટ્રોકના કારણે સારવાર દરમિયાન મોત, જુઓ તસવીરો
Surat Woman during Chardham Yatra : ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર કેટલાક લોકોના અકસ્માતે મોતના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં સુરતના પાલનપુર પાટિયાની પરણિતા કે જે તેના પતિ સાથે ચારધામની યાત્રા પર ગઇ હતી, ત્યારે 42 વર્ષીય પરિણીતાને ઉત્તરાખંડમાં બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. જે બાદ પરણિતાને તાત્કાલિક સારવાર માટે એર એમ્બ્યુલન્સ મારફતે સુરત ખસેડવામાં આવી પણ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ડિમ્પલબેન ભજિયાવાલા તેમના પતિ સાથે ચારધામની યાત્રા પર ગયા હતા અને 28 મેના રોજ દહેરાદૂનમાં અચાનક તેમની તબિયત લથડતા તેમને ત્યાંની હિમાલય હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે, તેમનો રિપોર્ટ કઢાવ્યો તો તેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હોવાનું નિદાન થયું. જેને લઇને તેમને તાત્કાલિક બ્રેઇન સર્જરી કરવાની જરૂર હોવાથી સર્જરી કર્યા પછી 31 મેના રોજ ગુજરાત સરકારની એરએમ્બ્યુલન્સમાં સુરત લાવવામાં આવ્યા અને આ અંતર પોણા પાંચ કલાકમાં જ કાપવામાં આવ્યુ.
એરપોર્ટ ઓથોરિટી દ્વારા 108ને જાણ કરવામાં આવી કે એક ક્રિટિકલ દર્દી ઇમરજન્સીમાં દેહરાદૂનથી એર એમ્બ્યૂલન્સ દ્વારા સુરત આવી રહ્યું છે. જેના કારણે તાત્કાલિક અડાજણ લોકેશનની (એએલએસ ) 108 એમ્બ્યુલન્સ સુરત એરપોર્ટ રવાના કરી ફરજ પર રહેલા ઈએમટી શબ્બીરભાઈ અને પાઇલોટ તેજસભાઈને સંપૂર્ણ વિગત આપી. ડિમ્પલબેનને પહેલા ખટોદરા કેનાલ રોડની ખાનગી હોસ્પિટલમાં અને પછી કતારગામની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા પણ તેમનું 13 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડના ચારધામ યાત્રામાં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને તેની સાથે ચારધામ યાત્રા દરમિયાન મૃત્યુની સંખ્યા પણ વધી રહી છે. દરરોજ સરેરાશ 2 શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા છે. એક રિપોર્ટ અનુસાર આ મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટ અથવા ક્રોનિક પલ્મોનરી રોગને કારણે થયા છે. ગુજરાત સમાચારના રીપોર્ટ અનુસાર, એક વરિષ્ઠ ડૉક્ટરે નામ ન આપવાની શરતે કહ્યુ કે 27 દિવસમાં 58 મૃત્યુ નોંધાયા છે, જેમાંના મોટાભાગના કાર્ડિયાક અરેસ્ટ અને કેદારનાથમાં સંબંધિત છે.
સૌજન્ય : દિવ્ય ભાસ્કર