સુરતમાં 7 વર્ષીય બ્રેઈનડેડ બાળકના અંગનું દાન કરાયું, 3 વ્યક્તિને મળશે નવજીવન, કોમેન્ટમાં જુઓ તસવીરો
છેલ્લા થોડા ઘણા સમયથી લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ આવી રહી છે, અંગદાનના વધારે મામલા તો સુરતમાંથી સામે આવતા હોય છે, ત્યારે હાલમાં પણ વધુ એક અંગદાનનો મામલો સુરતમાંથી સામે આવ્યો છે. એક 7 વર્ષીય બાળક કે જેને બ્રેઈનડેડ જાહેર કરાયો હતો તેના લીવર અને બંને કીડનીઓના અંગદાન થકી ત્રણ લોકોને નવજીવન મળશે. આ બાળક રમતાં-રમતાં પહેલાં માળેથી નીચે પટકાયો હતો અને સારવાર દરમ્યાન તેને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે પરિવારે બાળકના અંગોનું દાન કરીને માનવતા મહેકાવી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરતના મહુવાના વડવાળા ગામમાં રહેતા નિલેશભાઈ ખસતીયાનો 7 વર્ષીય પુત્ર શિવમ ધુળેટી પર સાંજે 6 વાગ્યા આસપાસ પહેલા માળે ઘરની બાલ્કનીમાં ક્રિકેટ બોલથી મિત્રો સાથે રમતો હતો. આ દરમિયાન શિવમ તેના મિત્રએ નીચેથી ફેકેલ બોલ પકડવા જતા શરીરનું બેલેન્સ ગુમાવ્યુ અને પહેલા માળેથી નીચે જમીન ઉપર પટકાયો શિવન ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક તેના પિતરાઈ ભાઈ તેને લઇ વડવાશા ગામના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં પહોંચ્યા.
જો કે શિવમની પરિસ્થિતિ જોતા ત્યાંથી તેને અન્ય હોસ્પિટલમાં ખસેડવા માટે સલાહ આપવામાં આવી. આ પછી શિવમને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને રસ્તામાં તેના શ્વાસ બંધ થઈ જતા PHC -સુપરવાઇઝરે તેને તરત સીપીઆર આપવાનું શરૂ કર્યું અને અધવચ્ચે જ પોતાની સુજબૂજથી 108નો કોન્ટેક કર્યો અને બારડોલી સ્થિત સરદાર હોસ્પિટલ ખાતે શિવમને શિફ્ટ કરાયો.
શિવમના પિતરાઈ ભાઈ દ્વારા સબંધી ડોક્ટર મેઘજી ઘોઘારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ધૂળેટીનો તહેવાર હોવાથી ડોક્ટર મેઘજી ઘોઘારીએ પહેલાથી ઘટનાની જાણ હોવાને કારણે સરદાર હોસ્પિટલની ટીમને સ્ટેન્ડબાય કરી દીધી હતી. ત્યાં શિવમનું સિટી સ્કેન કરવામાં આવ્યુ અને રીપોર્ટમાં બ્રેઈન હેમરેજ જણાતું હોવાથી તેને તાત્કાલિક સર્જરીની જરૂરિયાત હોવાથી સુરત સ્થિત નિર્મલ ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યો.
ન્યુરોસર્જન ડોક્ટર હિતેશ ચિત્રોડા દ્વારા તેના મગજનું ઓપરેશન કરવામાં આવ્યું પરંતુ 48 કલાક બાદ પણ શિવમની પરિસ્થિતિમાં સુધારો ન જણાતા વિશેષ રીપોર્ટ કરાવામાં આવ્યો અને તેને બ્રેઇન ડેડ જાહેર કરાયો. ત્યારે સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જાગૃત ડોક્ટર મેઘજીભાઈ ઘોઘારી અને ડોક્ટર હિતેશ ચિત્રોડા દ્વારા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના પી.એમ ગોંડલીયા, વિપુલ તળાવિયા ડોક્ટર નિલેષ કાછડીયાનો સંપર્ક કરવામાં આવ્યો.
અંગદાનની માહિતી માટે પરિવારના સભ્યોને જીવનદીપ ઓર્ગન ડોનેશનની સમગ્ર ટીમ દ્વારા મુલાકાત લઈ અંગદાન કરવા માટે પૂરતી સમજ આપવામાં આવીય. પરિવારના સભ્યો પણ સહમત થયા અને અંગદાન કરવાની પ્રક્રિયા કરવાની સંમતી આપી. પરિવારજનોની સંમતી મળ્યા બાદ ગુજરાત સરકારની સોટો સંસ્થાનો સંપર્ક સાધવામાં આવ્યો અને રજિસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ કરાઇ.
સોટો ગુજરાત દ્વારા લીવર અને બન્ને કિડનીનું દાન IKDRC હોસ્પિટલના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું. ઓર્ગન સમયસર સુરતથી અમદાવાદ પહોંચાડવા માટે ગ્રીન કોરીડોરની સમગ્ર ગુજરાત પોલીસ દ્વારા સજ્જડ વ્યવસ્થા કરવામાં આવી. શિવમના લીવર અને બંને કીડનીઓના અંગદાન થકી ત્રણ લોકોને નવજીવન મળશે.