સુરતમાં પત્ની સાથે ગરબે ઘૂમી રહ્યો હતો પતિ, અચાનક આવ્યા ચક્કર અને ઢળી પડ્યો, થયુ મોત
હાલના દિવસોમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં પૂરજોશમાં નવરાત્રિની ધૂમ ચાલી રહી છે. પરંતુ આ વચ્ચે કેટલીક કેટલીક એવી ખબરો પણ સામે આવી રહી છે, જેણે ચકચાર જગાવી છે. હાલમાં જ ગુજરાતમાં ગરબા રમતા રમતા એક 21 વર્ષના યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યુ હતુ. આ ઘટના 30 સપ્ટેમ્બરના રોજ શુક્રવારે રાત્રે બની હતી. જ્યારે ગરબા રમતી વખતે વીરેન્દ્ર સિંહ અચાનક જમીન પર પડ્યો હતો અને હૃદયરોગના હુમલાથી તેનું મોત થયું હતું. આ યુવક આણંદ જિલ્લાના તારાપુરની શિવ શક્તિ સોસાયટીનો રહેવાસી હતો.ત્યારે સુરતમાંથી પણ આવી ઘટના સામે આવી.
એક પતિ-પત્ની પોતાના ફ્લેટની અંદર મોબાઇલ પર ગીત વગાડી ગરબા રમી રહ્યા હતા ત્યારે આ દરમિયાન યુવકને ચક્કર આવી ગયા અને તે બેહોંશ થઇને પડી ગયો. પાડોશીઓની મદદથી પત્ની પતિને સારવાર માટે હોસ્પિટલ લઇ ગઇ. પરંતુ ત્યાં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ સુરત લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આકાર રેસીડેન્સી આવેલી છે. મૂળ મહારાષ્ટ્રના માલેગાંવનો 34 વર્ષીય દીપક માધવ પાટીલ અહીં પત્ની વેદિકા ઉર્ફે સાક્ષી સાથે રહેતો હતો.

દીપક હીરાનું કામ કરતો હતો. 30 સપ્ટેમ્બરે રાત્રે દીપક તેના મિત્ર ચેતનના પરિવાર સાથે પત્નીને લઇને ગરબા રમવા જતો હતો. પરંતુ, મિત્રના ઘરે મહેમાનો આવ્યા હતા. જેના કારણે દીપક ગરબા રમવા જઈ શક્યો ન હતો. આ પછી દીપક અને તેની પત્ની દેવિકાએ તેમના ફ્લેટના હોલમાં મોબાઈલમાં ગીતો મૂક્યા. બંને ઘરે ગરબા રમવા લાગ્યા. ગરબા કરતી વખતે વેદિકા થાકીને બેસી ગઈ. ત્યાં દીપક ડાન્સ કરતો રહ્યો. આ દરમિયાન રાત્રે 10 વાગ્યાના સુમારે દીપકને ચક્કર આવતા તે બેભાન થઈ ગયો હતો.

ઉતાવળમાં તે પાડોશીઓની મદદથી પતિ દીપક સાથે હોસ્પિટલ પહોંચી. જ્યાં ડોક્ટરોએ દીપકને મૃત જાહેર કર્યો હતો. મૃતકના લગ્ન 4 વર્ષ પહેલા થયા હતા. દિપકના મોતને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ મામલે લિંબાયત પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈને સોંપી છે.