Surat Honeytrap Case : ગુજરાતમાંથી ઘણીવાર હનીટ્રેપના કિસ્સા સામે આવે છે. યુવતિઓ કે મહિલાઓ દ્વારા યુવકો કે આધેડને ફસાવી તેમને બ્લેકમેઇલ કરવામાં આવે છે અને પછી તેમની પાસેથી પૈસા પડાવવામાં આવે છે. ત્યારે હાલમાં સુરતમાંથી હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે.
જેમાં કામરેજમાં સક્રિય હનીટ્રેપની ગેંગ ટોળકીનો એખ વ્યક્તિ ભોગ બન્યો અને તેની પાસેથી મોટી રકમ પડાવી. મીડિયા અહેવાલ અનુસાર, સુરતના અમરોલીમાં રહેતા ડૉક્ટર ઉત્રાણ મોટા વરાછા ખાતે ક્લિનિક ચલાવે છે અને તેમને ગત એપ્રિલ માસમાં આરતી પટેલે ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી.(તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)
જે બાદ ડૉક્ટરે આરતી પટેલની રિકવેસ્ટ એક્સેપ્ટ કરી, પણ તેઓ તેને ઓળખતા નહોતા. આ પછી ડૉક્ટર અને આરતી વચ્ચે વાતચીત શરૂ થઈ અને પછી ડૉક્ટરને આરતીએ પોતાની પગની બિમારીનો ફોટો મોકલ્યો. જે બાદ ડોક્ટરે મદદની ભાવના સાથે સારવાર કરશે તેવી બાંહેધરી આપી અને પછી આરતીએ ડૉક્ટરને કામરેજ બોલાવ્યા. ડૉક્ટર કામરેજ પહોંચ્યા ત્યારે આરતીએ કહ્યુ કે, તેની બહેનપણીનો વાવગામ પાસે ફ્લેટ છે એટલે ત્યાં બેસીને વાત કરીએ. ડૉક્ટર આરતીની વાતોમાં આવી ગયા અને આરતી સાથે ફ્લેટમાં ગયા.
જ્યારે તેઓ વાવ પાસે આવેલા ફ્લેટમાં પહોંચ્યા ત્યારે તે ફ્લેટમાં સોનલ નામની મહિલા નાના બાળકો સાથે રહેતી હતી. આરતી અને ડૉક્ટર બંને એક રૂમમાં બેઠા હતા, જ્યારે સોનલ બીજા રૂમમાં હતી. આ દરમિયાન આરતી અચાનક જ પોતાના કપડા કાઢી ડૉક્ટરને કિસ કરવા લાગી. બસ આ સમયે જ કોઈએ દરવાજો ખખડાવ્યો અને ડૉક્ટરે જેવો જ દરવાજો ખોલ્યો કે સોનલ સીધી રૂમમાં આવી અને ડૉક્ટરને ધમકાવ્યા. તેણે કહ્યુ કે, તમે આરતી સાથે શું કરી રહ્યા છો ?
જે બાદ તેણે ડૉક્ટરને માર પણ માર્યો. પણ બદનામીના ડરે ડૉક્ટરે આ સોનલ અને આરતીને આજીજી કરી. ત્યારે સોનલે કહ્યુ, એક ડૉક્ટર થઈને મહિલા સાથે બળજબરી કરો છો, અમારે પોલીસ સાથે સારી ઓળખ છે. હવે અમે તમારી સામે કેસ કરીશું અને આરતીનો ભાઈ પણ પોલીસમાં જ છે. જો કે, બદનામીના ડરે ડૉક્ટર આજીજી કરતા રહ્યા અને સમાધાન કરવા કહ્યુ.
પહેલા તો ડોક્ટર પાસે 10 લાખની માંગણી કરવામાં આવી પણ ડૉક્ટરે કહ્યુ કે, આટલા બધા રૂપિયા નથી, ત્યારે સોનલે ડૉક્ટરને ધમકી આપી કે તે તેના પતિને ફોન કરશે અને આખો મામલો પોલીસમાં પહોંચશે. અત્યારે તમે 5 લાખ રૂપિયા આપીને મામલો પતાવો. ડૉક્ટરે અઢી લાખનું સેટિંગ થશે એવું કહેતા મહિલાએ વિવિધ ખાતાનું બેલેન્સ ચેક કરીને ડૉક્ટર પાસેથી 1 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા અને બીજા 50 હજાર ડૉક્ટરના ક્લનિકથી લેવા માટે કહ્યુ હતુ.
ડૉક્ટરે તેના એક મિત્ર પાસેથી 50 હજાર રૂપિયા રોકડા આપ્યા હતા. ભોગ બનેલા વ્યક્તિએ આરતી પટેલ સહિત 2 મહિલા અને ચાર પુરુષ વિરૂદ્ધ કામરેજ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો અને પોલિસે પણ બાતમીના આધારે બે દિવસ પહેલા જ તેમને ઝડપી પાડ્યા. આ ગેંગ વિરૂદ્ધ અત્યાર સુધી ત્રણ ગુના નોંધાયા છે.