સુરતમાં નવી સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી આવી સામે, દીકરાના હૈયાફાટ રુદન સાથે હોસ્પિટલ પણ ધ્રુજી ઉઠી, મહિલાના મૃતદેહને હિન્દૂ પરિવારમાં સોંપી અગ્નિદાહ કરાવી દેતા સર્જાયો વિવાદ

સરકારી હોસ્પિટલોની બેદરકારીઓના ઘણા કિસ્સાઓ સામે આવે છે, ત્યારે હાલ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પણ એક મોટી બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં બે મૃતદેહોની અદલાબદલી થવાની બેદરકારી સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સિવિલ હોસ્પિટલમાં શબાના અને સુશીલાનું કોરોના સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારબાદ હિન્દુ પરિવારને શબાના નામની મહિલાનો મૃતદેહ સોંપી દેવાયો હતો અને તેની અંતિમવિધિ સ્મશાનમાં કરી દેતાં ભારે વિવાદ સર્જાયો હતો.

આ બધા વચ્ચે ભાંગી પડેલા પુત્રએ હૈયાફાટ આક્રંદ કરતા કહ્યું કે “મરેલી તો મરેલી પણ મને મારી મા પાછી આપો.” ત્યારે હવે આ મામલામાં સુરત પોલીસ દ્વારા બે લોકો સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી જાણકારી પ્રમાણે 10 દિવસ પહેલા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં શબાના મોહમ્મદ અંસારીને કોરોના પોઝિટિવ આવતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સાથે એક હિન્દૂ મહિલા સુશીલાબેન પણ સારવાર માટે દાખલ થયા હતા.

ત્યારે શનિવારના રોજ સારવાર દરમિયાન શબાનાનું મોત થયું હતું, અને એજ દિવસે સુશીલાબેનનું પણ મોત થયું હતું. બંનેના મોત વચ્ચે માત્ર અડધા કલાકનું જ અંતર હતું. ત્યારે આ બાબતે સિવિલ હોસ્પિટલ દ્વારા બંને મહિલાઓને તેમના અવસાન વિશેની જાણ કરવામાં આવી હતી.

શબાનાના પરિવારે તેમના મૃતદેહને રવિવારે સ્વીકારવાનું જણાવ્યું હતું જયારે સુશીલાબેનનો પરિવાર શનિવારે સાંજે જ મૃતદેહ લેવા આવ્યો હતો. પરંતુ આ દરમિયાન સિવિલ હોસ્પિટલની બેદરકારીના કારણે સુશીલાબેનના મૃતદેહના બદલે તેમના પરિવારજનોને શબાનાનો મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો. શબાનાના મૃતદેહને અશ્વની કુમાર ખાતે હિન્દુ વિધિ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ત્યારે બીજા દિવસે રવિવારના રોજ શબાનાનો પુત્ર તેની માસી સાથે શબાનાના મૃતદેહને લેવા માટે આવ્યો હતો, પરંતુ તેમનો મૃતદેહ ના મળતા તેમને હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને મૃતદેહ અન્યને સોંપી દીધો હોવાનું જણાવી તોડફોડ પણ કરી હતી. ત્યારબાદ પોલીસ પણ હોસ્પિટલમાં આવી પહોંચતા મુર્દાઘરમાં તપાસ કરવામાં આવતા ત્યાંથી સુશીલાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો.

શબાનાનો મૃતદેહ ત્યાં ના મળતા પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે શબાનાના મૃતદેહને સુશીલાના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો, અને તેમના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા. જેના બાદ હોસ્પિટલે પોતાની ભૂલ સ્વીકારી હતી અને એક કમિટીની રચના પણ કરવામાં આવી હતી. જેમાં કમિટી દ્વારા રિપોર્ટ તૈયાર કરીને ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી કરી કડક પગલાં ભરવામાં આવશે.

ત્યારે શબાનાના પુત્રને પોતાની માતાનો ચહેરો પણ જોવા મળ્યો નહોતો અને તેને હોસ્પિટલમાં જ હૈયાફાટ રુદન સાથે કહ્યું હતું કે, “મરેલી તો મરેલી પણ મને મારી મા પાછી આપો.” આ દૃશ્યો પણ હૃદય કંપાવી દેનારા હતા.

Niraj Patel