સ્માર્ટ સિટી સુરતમાં કરોડોના ખર્ચે બનેલા રોડ ઉપર પડ્યો ભુવો, રસ્તે જતી કાર સીધી ભુવામાં જ ખાબકી, તંત્રની ખુલી પોલ, જુઓ વીડિયો

આ વર્ષે ચોમાસુ સારુ રહ્યું અને ઠેર ઠેર સારો એવો વરસાદ પણ વરસ્યો ત્યારે વરસાદમાં જો મુશ્કેલી જોવા મળી હોય તો તે રોડ અને રસ્તાઓ ઉપર જોવા મળી. જ્યાં પાણી ભરાઈ ગયા, ખાડા પડી ગયા અને ઠેર ઠેર તો ભુવા પણ પડી ગયા. આ ભુવા અને ખાડામાં પડી જવાના કારણે ઘણા અકસ્માત પણ સર્જાયા હતા, ત્યારે હવે એક એવી જ ઘટના સ્માર્ટ સીટી સુરતમાંથી સામે આવી છે, જ્યાં રોડ ઉપર પડેલા ભુવામાં એક કાર ફસાઈ ગઈ.

બે દિવસ પહેલા સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં પાલનપુરની એલ.પી. સવાણી માર્ગ પર એક મોટુ ભૂસ્ખલન થયુ હતુ. આ જમીનની મરામતની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા રોડ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને ખાડાઓ પણ પુરી દેવામાં આવ્યા છે.

પરંતુ રોડનું બાંધકામ પૂરું થયાની 15 મિનિટમાં જ એક કાર તે રોડ પરથી પસાર થઈ રહી હતી અને ભુવો પડતા કાર તેમાં ફસાઈ ગઈ હતી. અચાનક કાર ખાડામાં ફસાઈ ગઈ અને અફરાતફરી મચી ગઈ. કાર ખાડામાં ફસાઈ જતાં રસ્તો બ્લોક થઈ ગયો હતો અને ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. નગરપાલિકા દ્વારા રોડ બનાવ્યાની 15 થી 20 મિનિટમાં જ ફરીથી ખાડાઓ પડી જતા પાલિકાની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.

ભુવામાં કાર પડી જવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક કાર ભુવામાં ખાબકેલી જોઈ શકાય છે. કારનું એક ટાયર રોડ ઉપર પડેલા ભુવામાં ઘુસી ગયું છે. ત્યારે આ ઘટનાને લઈને રોડ ઉપર ટ્રાફિક પણ જામી ગયો હતો અને લોકોના ટોળા પણ ત્યાં ભેગા થઇ ગયા હતા. ખાડો પૂર્યાની 15 મિનિટમાં જ આ ઘટના બનતા તંત્રની કામગીરી ઉપર પણ હવે લોકો સવાલો કરી રહ્યા છે.

Niraj Patel