સુરતમાં 9 વર્ષના દીકરાએ મોત બાદ પણ મહેકાવી માનવતા: માં-બાપે એવો નિર્ણય લીધો કે 7 લોકોને મળ્યું નવજીવન

ધન્ય છે આરવના માં-બાપને, 9 વર્ષનો દીકરાને બ્રેઈનડેડ થતા 7-7 અંગોનું મહાદાન- આખી સ્ટોરી વાંચો અને શેર જરૂર કરજો

ગુજરાતમાં અંગદાનને લઈને લોકોમાં જાગૃત્તિ સતત વધી રહી છે અને તેમાં પણ ડાયમંડ સીટી સુરતમાં તો ઘણા બધા અંગદાનના મામલાઓ સામે આવી ગયા છે, જેમાં બ્રેઈન ડેડ થયેલા વ્યક્તિના નિધન બાદ તેમના પરિવારને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવે છે અને તેમના અંગદાન દ્વારા કેટલાય લોકોને નવજીવન પણ મળતું હોય છે.  ત્યારે હાલ વધુ એક ઘટના સામે આવી છે, જેમાં એક 9 વર્ષના બાળકના નિધનથી 7 લોકોને નવું જીવન મળ્યું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ અમરેલી જિલ્લાના ધારીના વતની અને હાલ સુરતમાં આવેલા પુણા ગામના યોગીચોક પાસે આવેલી યોગીદર્શન સોસાયટીમાં રહેતા રત્નકલાકાર નયનભાઈ અંટાળાને સંતાનમાં એક માત્ર દીકરો આરવ હતો. જેની ઉંમર 9 વર્ષની હતી અને તે ચોથા ધોરણમાં અભ્યાસ કરતો હતો. ગત 19 એપ્રિલના રોજ આરવ રમતા રમતા જ પડી ગયો હતો. જેમાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

પરિવારજનો આરવને સારવાર માટે કામરેજમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબ દ્વારા આરવને પ્રાથમિક સારવાર આપ્યા બાદ સીમાડામાં આવેલી એઇમ્સ મલ્ટીસ્પેશીયાલીસ્ટ હોસ્પિટલમાં રેફર કરી દીધો હતો. જ્યાં તાત્કાલિક તબીબોએ સારવાર શરૂ કરી અને તેના બ્રેઈનનું ઓપરેશન કર્યું.

પરંતુ ઈશ્વરને કંઈક બીજું જ મંજુર હતું. ગત 22 એપ્રિલના રોજ તબીબોએ તેને બ્રેઈન ડેડ જાહેર કરતા જ પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો. જેના બાદ એઇમ્સના ડોક્ટર દ્વારા આરવના પરિવારને અંગદાન વિશેની સમાજ આપવામાં આવી હતી અને પરિવારે પણ અંગદાનનું ઉમદા કાર્ય કરવાનો નિર્ણય લીધો. આરવના પિતા નયનભાઈ અને માતા કિરણબેને સંમતિ આપ્યા બાદ તેમના અંગદાન લેવાની તૈયારી શરૂ થઇ.

સુરતમાં અંગદાન માટે કાર્ય કરતી ડોનેટ લાઈફ સંસ્થાનો સંપર્ક કરવામાં આવ્યો અને આ સંસ્થા દ્વારા બ્રેઈનડેડ થયેલા આરવના લીવર, 2 કિડની, ફેફસા અને 2 આંખોના દાન કરી 7 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવામાં આવ્યું. હ્રદય, અને ફેફસા એમ.જી.એમ. હોસ્પિટલ-ચેન્નાઈ તેમજ લીવર અને કિડની કે.ડી.હોસ્પિટલ- અમદાવાદની ટીમ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ માટે લઈ જવામાં આવ્યા.

Niraj Patel