સુરતમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત, ફી ન ભરતા વિદ્યાર્થીનીને ટોયલેટ પાસે બે દિવસ ઉભી રખાઇ- ખોટું લાગી આવતા ભર્યુ અંતિમ પગલુ
ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં સુરતના ગોડાદરા વિસ્તારમાંથી ધોરણ 8ની વિદ્યાર્થિનીના આપઘાતનો મામલો સામે આવ્યો છે. ગોડાદરામાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 8ની વિદ્યાર્થિનીની ફી બાકી હોવાને કારણે સ્કૂલના શિક્ષકે ઈન્ટર્નલ પરીક્ષામાં બેસવા દીધી નહિ અને 2 દિવસ શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઉભી રાખી. એવો આક્ષેપ છે કે શાળા તરફથી વિદ્યાર્થીનીને ફી માટે દબાણ કરાતુ હતુ જેને કારણે તેને આત્મહત્યા કરવાની ફરજ પડી.

વિદ્યાર્થિનીની આત્મહત્યાના પગલે પરિવાર શોકમાં છે. આ મામલે ગોડાદરા પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, શાળા દ્વારા વિદ્યાર્થીનીને અનેકવાર ફી ભરવા માટે દબાણ કરાતું હોવાથી આખરે ખોટું લાગી આવતા વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઇ લીધો. વિદ્યાર્થિનીના પરિવારનો આરોપ છે કે શાળાના સંચાલકોને પરિવારજનોએ ફી ભરવા માટે સમય આપવા અપીલ કરી હતી.

જો કે તેમ છતાં વિદ્યાર્થિની સાથે ખરાબ વર્તન કરવામાં આવતા તેને લાગી આવ્યુ અને તેણે આત્મહત્યા કરી. બીજી બાજુ સ્કૂલ સંચાલક દ્વારા પરિવારના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યાં. તેમણે કહ્યુ- છોકરાઓ સાથે ફી બાબતે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી, વાલીઓને જ કહેવામાં આવે છે. બાળકીને પરિવાર જ ટોર્ચર કરતો હતો.