સુપ્રીમ કોર્ટે બાબા રામદેવની પતંજલિ કંપની ફટકારી નોટિસ, 1 કરોડનો દંડ ફટકારવાનું કહ્યું તો બાબા બોલ્યા, “અમે ખોટા હોઈએ તો 1000 કરોડનો દંડ ફટકારો, મૃત્યુદંડ આપો…” જુઓ
Supreme Court notice to Patanjali : ટીવી પર અલગ અલગ પ્રકારની ઘણી જાહેરાતો જોવા મળતી હોય છે. જેમાં મોટા મોટા દાવાઓ પણ કરવામાં આવતા હોય છે. ઘણીવાર આવી જાહેરાતો પણ ચર્ચામાં આવી જાય છે અને કેટલીક જાહેરાતોના કેસ કોર્ટમાં પણ જતા હોય છે. ત્યારે હાલમાં જ સુપ્રીમ કોર્ટે બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડને ખોટા દાવા કરવા સામે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પતંજલિને જાહેરાતમાં તેની દવાઓ વિશે ખોટા દાવા કરવા સામે ચેતવણી આપી છે.
પતંજલિને પાઠવી નોટિસ :
IMAના વકીલે કહ્યું હતું કે આ જાહેરાતોમાં કહેવામાં આવ્યું છે કે આધુનિક દવાઓ લેવા છતાં ડૉક્ટરો પોતે જ મરી રહ્યા છે. બે જજની બેન્ચે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, પતંજલિ આયુર્વેદની આવી તમામ ખોટી અને ભ્રામક જાહેરાતો તાત્કાલિક બંધ કરવી જોઈએ. કોર્ટ આવા કોઈપણ ઉલ્લંઘનને ખૂબ ગંભીરતાથી લેશે. IMAની અરજી પર સર્વોચ્ચ અદાલતે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને આયુષ મંત્રાલય, પતંજલિ આયુર્વેદ લિમિટેડને નોટિસ પાઠવી હતી.
ભ્રામક જાહેરાત માટે 1 કરોડનો દંડ :
સુનાવણી દરમિયાન ખંડપીઠે કહ્યું કે, આધુનિક દવાઓ અંગે ભ્રામક દાવાઓ અને જાહેરાતો ન ચલાવો. નોટિસ જારી કરતી વખતે કોર્ટે બાબા રામદેવની એલોપેથી અને એલોપેથિક ડોક્ટરોની ટીકા કરવા બદલ આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, જો દાવો ખોટો સાબિત થાય છે તો બેન્ચ દરેક પ્રોડક્ટ પર 1 કરોડ રૂપિયાનો દંડ લગાવવા પર પણ વિચાર કરી શકે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર તરફથી હાજર રહેલા વકીલને ભ્રામક મેડિકલ જાહેરાતોનો ઉકેલ શોધવા જણાવ્યું હતું.
બાબા રામદેવે આપ્યો જવાબ :
તમને જણાવી દઈએ કે બેંચ હવે આવતા વર્ષે 5 ફેબ્રુઆરીએ IMAની અરજી પર સુનાવણી કરશે. ત્યારે આ મામલે બાબા રામદેવે કહ્યું કે, “જો અમે ખોટા હોઈએ તો અમારા પર 1000 કરોડ રૂપિયાનો દંડ કરો અને અમે મૃત્યુદંડ માટે પણ તૈયાર છીએ, પરંતુ જો અમે ખોટા ન હોઈએ તો જે લોકો ખરેખર ખોટો પ્રચાર કરી રહ્યા છે તેમને સજા કરો. છેલ્લા 5 વર્ષથી રામદેવ અને પતંજલિને નિશાન બનાવીને ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.”