ભૂતપૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરના બગાડ્યા બોલ, રાજસ્થાનના આ ખેલાડીની પત્ની ઉપર કરી એવી કોમેન્ટ કે ચાહકોએ કોમેન્ટ્રીમાંથી દૂર કરવાની માંગ કરી

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 સીઝનમાં રાજસ્થાન રોયલ્સએ શાનદાર જીત નોંધાવી અને બીજા નંબર પર રહીને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું. રાજસ્થાને મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું. આ પહેલા ગુજરાત ટાઇટન્સ અને લખનઉની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવી ચુક્યા છે.

આ જ મેચમાં કોમેન્ટ્રી કરી રહેલા ભારતીય દિગ્ગજ ક્રિકેટર  સુનીલ ગાવસ્કરે રાજસ્થાન ટીમના ખેલાડી શિમરોન હેટમાયરની પત્ની નિરવાની પર એવી ટિપ્પણી કરી હતી, જેની દરેક જગ્યાએ આકરી ટીકા થઈ રહી છે. ચાહકોએ તેને અભદ્ર ટિપ્પણી ગણાવી હતી અને ગાવસ્કરને કોમેન્ટ્રીમાંથી બરતરફ કરવાની માંગ પણ કરી છે.

મેચમાં રાજસ્થાનની ટીમ 151 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરી હતી. આ દરમિયાન ટીમે 15 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 104 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી શિમરોન હેટમાયર અને રવિચંદ્રન અશ્વિન ક્રીઝ પર હાજર હતા. હેટમાયર ક્રીઝ પર આવનાર નવો બેટ્સમેન હતો. રાજસ્થાનની ટીમને જીતવા માટે 30 બોલમાં 47 રનની જરૂર હતી. આ દરમિયાન ગાવસ્કરે હેટમાયરની પત્ની વિશે રમુજી રીતે અભદ્ર ટિપ્પણી કરી હતી.

કોમેન્ટ્રી દરમિયાન ગાવસ્કરે કહ્યું, ‘શિમરન હેટમાયરની પત્નીની ડિલિવરી થઈ છે. શું હેટમાયર હવે રાજસ્થાન માટે ડિલિવરી કરશે?” હેટમાયરની પત્નીએ 10 મેના રોજ જ એક બાળકને જન્મ આપ્યો હતો. ત્યારે હેટમાયર તેની પત્ની સાથે હાજર હતો. બધું બરાબર થયા પછી, હેટમાયર ભારત પરત ફર્યો અને ટીમમાં જોડાયો અને ગ્રુપ સ્ટેજની તેની છેલ્લી મેચ રમી. જો કે, હેટમાયર મેચમાં વધુ કંઈ કરી શક્યો ન હતો અને 6 રન બનાવીને આઉટ થયો હતો.

ગાવસ્કરની આ ટિપ્પણી બાદ ચાહકો હવે સોશિયલ મીડિયા પર તેમની આકરી ટીકા કરી રહ્યા છે. કેટલાક ચાહકો તેને કોમેન્ટ્રીમાંથી હટાવવાની પણ માંગ કરી રહ્યા છે. આવું પહેલીવાર નથી થયું જયારે ગાવસ્કરે આવી રીતે કોઈ ટિપ્પણી કરીને ચર્ચામાં આવ્યા હોય. અગાઉ IPL 2020માં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વિશે ટિપ્પણી કરી હતી અને તે પછી પણ તેમની ભારે ટીકા થઈ હતી.

Niraj Patel