3 પત્તીમાં રૂપિયા હારી ગયા બાદ વીડિયો બનાવી આપઘાત કરી લીધો હોવાનું જણાવી આખા ગુજરાતને હલબલાવી દેનારો યુવક નાટકીય ઢબે મળી આવ્યો, જાણો સમગ્ર મામલો

રાજકોટનો 21 વર્ષનો CAનો વિદ્યાર્થી શુભમ નાટકીય ઢબે મળી આવ્યો- જાણો સમગ્ર મામલો

Suicidal Youth Admitted To Hospita Rajkot: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, કોઈ  આર્થિક તંગીના કારણે તો કોઈ પરિવાર ઝઘડા અથવા તો પ્રેમ પ્રસંગોના કારણે પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે, ત્યારે ઘણા લોકો ઓનલાઇન ગેમમાં પાગલ બનીને રૂપિયા વેડફી નાખતા હોય છે અને પછી દેવાના ભાર નીચે દબાઈને આપઘાત કરી લેતા હોય છે. ગતરોજ રાજકોટમાંથી એક એવી જ ઘટના સામે આવી હતી, જેમાં એક યુવકે 3 પત્તી ગેમમાં રૂપિયા હારી જતા આપઘાત કરી જીવન ટૂંકાવવાનો વીડિયો બનાવ્યો હતો.

ત્યારે હવે આ મામલે એક નવો ચોંકાવનારો ખુલાસો પણ સામે આવ્યો છે. 21 વર્ષના શુભમ બગથરીયાએ રાજકોટના આજીડેમ પાસે ઉભા રહીને એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેને જણાવ્યું હતું કે “તીનપત્તી માસ્ટર ગેમમાં રૂપિયા હારી  ગયો છું, મારી પાસે એટલાં પાપ છે કે શબ્દોમાં બયાન કરી શકતો નથી જેથી આપઘાત કરું છું.” ત્યારે આ વીડિયો પણ  સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. ત્યારે ઘટનાની  જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી જઈને યુવકની તપાસ હાથ ધરી હતી.

ત્યારે હજુ પણ ફાયર બ્રિગેડની ટિમ યુવકની શોધખોળ કરી રહી હતી એ દરમિયાન જ આજે યુવક અચાનક સિવિલ હોસ્પિટલ પહોંચ્યો, જ્યાં ઇમરજન્સી વોર્ડ પાસે જ તે બેભાન થઈને પડી ગયો. જેના બાદ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવકને ઠંડી અને તાવ ચઢી ગયો હોવાનું સામે આવતા તબીબે સારવાર શરૂ કરી હતી, પરંતુ યુવકે હજુ સુધી કોઈ નિવેદન નથી આપ્યું અને મૌન સેવી લીધું છે.

તો બીજી તરફ બગથરીયા પરિવાર દ્વારા તેમનો એકનો એક યુવાન દીકરો હેમખેમ પરત આવતા તેમને રાહતનો શ્વાસ પણ લીધો હતો. ત્યારે યુવક પાછો આવાની જાણ થતા જ પોલીસ પણ હોસ્પિટલ પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે યુવકે પોતાના મોબાઈલમાં વીડિયો બનાવીને તેના પપ્પાને મોકલ્યા હતા, જેના બાદ તેને પોતાનો ફોન પણ સ્વિચ ઓફ કરી દીધો હતો. તેના પપ્પાએ જયારે નેટ ઓન કર્યું ત્યારે દીકરાએ મોકલેલા વીડિયો જોતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

Niraj Patel