આજે વાંચો ગરીબ પરિવારની દીકરીની કહાની, પુસ્તક ખરીદવાના પૈસા ન હતા…
કોઇ પણ વ્યક્તિના જીવનમાં તેના પિતાની ખૂબ જ મહત્વની ભૂમિકા હોય છે. એક પિતા પોતાની દીકરીને બધા જ સંકટોથી બચાવીને રાખે છે. તેના માટે સપના જુએ છે. આજે એક એવા પિતા વિશે તમને જણાવવા જઇ રહ્યા છીએે જે કેરળમાં ચોખાની ખેતી કરે છે.
આ ખેડૂત પિતાની દીકરીએ ડોકટર બનવાનું સ્વપ્ન જોયુ. આર્થિક સ્થિતિ નબળી હોવા છત્તાં આ પિતાએ તેમની દીકરીને ખૂબ ભણાવી.

આ દીકરીનું નામ હતુ એનિસ કનમની જોય. એનિસનો જન્મ કેરળના પિરવોમ જિલ્લાના એક નાના ગામ પંપાકુડામાં થયો હતો. તેના પિતા તે જ ગામમાં ખેતી કરતા હતા. શ્રમિકોની અછતને કારણે તેમની માતા પણ પિતાને મદદ કરતા હતા. એનિસે 10 ધોરણ સુધીનો અભ્યાસ પિરવોમની એક સ્કૂલમાં કર્યો અને હાઇસ્કૂલના અભ્યાસ માટે તે એર્નાકુલમ ગઇ.
એનિસની ઇચ્છા ડોકટર બનવાની હતી, પરંતુ તે તેનું આ સ્વપ્ન પૂરુ કરી શકી નહિ. તેની પસંદગી એમબીબીએસમાં થઇ શકી નહિ અને તેણે છેલ્લે બીએસસીમાં તેનો અભ્યાસ કર્યો અને નર્સ બની ગઇ. જો કે, નર્સ બનીને તેનું મન ખુશ હતુ નહિ. તે કંઇક એવું કરવા ઇચ્છતી હતી કે જેનાથી માન-સમ્માન સાથે તે બીજાની મદદ કરી શકે.

એનિસ સમાજમાં પિતાને સમ્માન અને પ્રતિષ્ઠા અપાવવા માંગતી હતી. જે એક નર્સને નહિ મળી શકતી. તે માટે એનિસ ડોકટર બનીને તે સમ્માન અપાવવા માંગતી હતી. થોડા દિવસ બાદ એનિસ ટ્રેનમાં યાત્રા કરી રહી હતી ત્યારે તે દરમિયાન એક અન્ય યાત્રિએ તેને UPSCની પરીક્ષાની તૈયારી કરવા સલાહ આપી. આ યાત્રીની આપેલી સલાહ એનિસને સારી લાગી અને તેણે UPSCની પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો.
જો કે, એનિસને તે સમયે એ જાણ હતી નહી કે તે નર્સિંગ ડિગ્રી સાથે IASની પરીક્ષા આપી શકે કે નહિ ? એનિસ જયારે મેંગલોરથી ત્રિવેંદ્રમ જઇ રહી હતી ત્યારે તેની સાથે બેઠેલી એક મહિલાએ પરીક્ષાને લઇને વાતચીતમાં જણાવ્યુ કે, તેમની દીકરી દિલ્લીથી UPSC IAS પરીક્ષાની કોચિંગ લઇ રહી છે.

આ મહિલાએ પરીક્ષાને લઇને એનિસની બધી જ દુવિધાઓ દૂર કરી દીધી અને કહ્યુ કે, UPSC IAS પરીક્ષા કોઇ પણ ગ્રેજયુએશન ડિગ્રીમાં આપી શકાય છે. આ બે યાત્રા દરમિયાન મળેલી જાણકારીઓથી પ્રભાવિત થઇને એનિસે UPSC સિવિલ સેવાની તૈયારી કરવાનો નિર્ણય કર્યો.
આ પરીક્ષાની તૈયારી દરમિયાન એનિસ સામે સૌથી મોટી સમસ્યા એ આવી કે તેની પાસે પુસ્તકો અને મેગેઝિનનો અભાવ હતો. તેના વગર પરીક્ષાની તૈયારી તેના માટે એક દૂરની કોડી સાબિત થઇ રહી હતી. પરંતુ એનિસે નિર્ણય કર્યો તે સમાચાર પત્રક દ્વારા તૈયારી કરશે અને તેને પહેલા પ્રયાસમાં નહિ પરંતુ બીજા પ્રયાસમાં જરૂરથી સફળતા મળી.

વર્ષ 2010માં એનિસે પહેલી વાર UPSCની પરીક્ષા આપી જેમાં તે 580 રેન્ક સાથે સફળ થઇ પરંતુ આ રેન્કથી IAS પદ ન મળ્યુ અને તે બાદ તેણે ફરી વર્ષ 2011માં પરીક્ષા આપી અને તેમાં તેનો 65મો રેન્ક આવ્યો અને તેનું IAS બનવાનું સ્વપ્ન પૂરુ થયું.

એનિસનું ડોકટર બનવાનું સ્વપ્ન બાળપણમાં તૂટી ગયુ પરંતુ તે નિરાશ ન થઇ અને પરિવારને સમ્માન અપાવવા તેને બીજો રસ્તો શોધ્યો અને સફળતા પ્રાપ્ત કરી.