મહેસાણા કડીમાં ત્રિરંગા રેલીમાં નીતિન પટેલને રખડતા ઢોરે અડફેટે લીધા, ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. ઘણા લોકો ઇજાગ્રસ્ત થવા છત્તાં અને ઘણા લોકોના મોત થવા છત્તાં પણ હજી રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. રાજયની જનતા સિવાય નેતા પમ રખડતા ઢોરના આતંકનો ભોગ બની રહ્યા છે. ત્યારે હાલમાં મહેસાણાના કડીમાં તિરંગા યાત્રા સમયે પૂર્વ નાયબ મુખ્યમંત્રીને રખડતા ઢોરે અડફેટે લીધા હતા અને તેને કારણે તેમને ઇજા પહોંચી હતી. તેઓ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

કરણપુર શાક માર્કેટ પાસે નિતિન પટેલને રખડતા ઢોરે અડફેટે લેતા ચકચાર મચી જવા પામી હતી. નીતિન પટેલને ઢીંચણના ભાગે ઇજા પહોંચી હોવાનું સામે આવ્યુ છે. તેમને કડીની ભાગ્યોદય હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓ અમદાવાદ તેમના નિવાસસ્થાને આવવા રવાના થયા. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ કડીમાં રખડતી ગાયે એક વિદ્યાર્થીને અડફેટે લીધી હતી અને તેને પણ ગંભીર ઇજા પહોંચી હતી.

તિરંગા યાત્રાની વાત કરીએ તો, ભારત આ વર્ષે આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આન લઇને જ કડીમાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને મહેસાણા ધારાસભ્ય નીતિન પટેલ જોડાયા હતા. જો કે આ દરમિયાન નીતિન પટેલને એક રખડતી ગાયે અડફેટે લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજયમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોના આતંકના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રખડતા ઢોરો પર અંકુશ રાખવામાં તંત્ર નિષ્ફળ રહ્યુ છે. અત્યાર સુધીમાં ઘણા લોકો રખડતા ઢોરોના હુમલામાં ઘાયલ થયા છે, અને ઘણાના મોત પણ થયા છે.

પરંતુ તંત્ર આંખ આડા કાન કરે છે.ત્યારે હવે લોકોના મનમાં એ સવાલ ઊભો થઇ રહ્યો છે કે, નેતાના રખડતા ઢોરથી ઘાયલ થવાથી હવે શુ પગલા લેવામાં આવે છે.

Shah Jina