વડોદરામાં 9માં ધોરણમાં ભણતી વિધાર્થિનીએ ગળે ફાંસો ખાઈને મોતને વહાલું કર્યું, લાડકવી દીકરીના અચાનક મોતથી પરિવારનું આક્રંદ

ગુજરાતમાંથી આપઘાતના સતત બનાવો સામે આવી રહ્યા છે, ઘણા લોકો આર્થિક સંકળામણના કારણે જીવન ટૂંકાવતા હોય છે તો ઘણા લોકો પ્રેમ પ્રસંગોમાં જીવન ટૂંકાવતા હોય છે, પરંતુ હાલ વડોદરામાંથી જે ઘટના સામે આવી છે તે જાણીને તમે પણ હેરાન રહી જશો. જ્યાં એક 9 માં ધોરણમાં ભણતી વિધાર્થિનીએ શાળાએથી ઘરે આવી ગળે ફાંસો ખાઈને મોતને વહાલું કરી લીધું છે.

આ બાબતે દિવ્ય ભાસ્કર મીડિયા દ્વારા મળી રહેલી માહિતી અનુસાર વડોદરા શહેરના ગાજરાવાડી ગોમતીપુરામાં રહેતી ઝલક આશિષભાઇ પાંડે(ઉં.14) વડોદરા શહેરની શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલયમાં ધોરણ-9માં અભ્યાસ કરતી હતી. આજે બપોરે 1 વાગે સ્કૂલેથી આવ્યા બાદ કોઇક કારણસર ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બપોરે ઘરે આવેલા પરિવારને દીકરી ઝલકને ફાંસો ખાધેલી હાલતમાં જોતા સ્તબ્ધ થઇ ગયા હતા અને આક્રંદ કર્યું હતું. પરિવારનો રડવાનો અવાજ સાંભળી પડોશીઓ તેમજ વિસ્તારના લોકો દોડી ગયા હતા.

દરમિયાન આ બનાવ અંગેની જાણ પાણીગેટ પોલીસને કરવામાં આવતા કાફલો સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો લઇને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. બીજી બાજુ પોલીસે ઝલક પાંડેએ કયા કારણોસર આપઘાત કરી લીધો છે. તે અંગેની માહિતી મેળવવા પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. પરિવારના નિવેદનો અને પોલીસની ઝીણવટભરી તપાસ બાદ ઝલકના આપઘાતનું ચોક્કસ કારણ બહાર આવશે.

પાણીગેટ પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઝલકના પિતા વાઘોડિયાની જાણીતી કેબલ કંપનીમાં નોકરી કરે છે. દીકરી ઝલકે આપઘાત કરી લેતા પિતાના હૈયાફાટ રૂદને વિસ્તારમાં સન્નાટો પાથરી દીધો હતો.
(સાભાર: દિવ્ય ભાસ્કર)

Niraj Patel