Video: ડ્રાઇવરનો જીવ બચાવવા માટે મહિલાએ પહેલીવાર ચલાવી બસ, આવી રીતે આપવામાં આવ્યુ ખાસ ટ્રિબ્યુટ

આ વર્ષે જાન્યુઆરીમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. જેમાં એક મહિલા બસ ડ્રાઇવરનો જીવ બચાવવા માટે બસ ચલાવતી જોવા મળી હતી. બસ ચલાવતી વખતે ડ્રાઈવરની તબિયત લથડી હતી. જેના કારણે એક મહિલા તેને વહેલી તકે હોસ્પિટલ લઈ જવા માટે આગળ આવી અને તેણે બસને હોસ્પિટલ સુધી પહોંચાડી. જેથી ચાલકને સમયસર સારવાર મળી જતા તેનો જીવ બચાવી શકાય. હાલમાં કોટક જનરલ ઈન્સ્યોરન્સે એ જ મહિલાને વિશેષ રીતે ટ્રિબ્યુટ આપ્યુ છે. કોટક જનરલ ઈન્સ્યોરન્સે તેની એક જાહેરાત દ્વારા મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કર્યું છે. કોટક જનરલ ઈન્સ્યોરન્સ કંપનીની એક જાહેરાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ જાહેરાત એક મહિલા (યોગિતા)ની વાર્તા કહે છે જેણે અચાનક બસ ચલાવવી પડી કારણ કે બસનો ડ્રાઈવર બેહોશ થઈ ગયો હતો. યોગિતાએ અગાઉ ક્યારેય બસ ચલાવી ન હતી. જોકે, તેને કાર ચલાવવાનો અનુભવ હતો. જેના કારણે તે મિની બસ લઈને ડ્રાઈવરને હોસ્પિટલ લઈ ગઇ હતી. ખાસ વાત એ છે કે આ વાયરલ જાહેરાત એક સત્ય ઘટના પર આધારિત છે. આ જાહેરાત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ જાહેરાત 1 મિનિટ 21 સેકન્ડની છે. જેમાં બસની અંદર મહિલાઓનું એક જૂથ મુસાફરી કરી રહ્યું હોવાનું જોવા મળી રહ્યુ છે.

દરેક લોકો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે, મહિલાઓ નાચતી અને ગાતી જોવા મળી રહી છે. પરંતુ, એકાએક બસ અટકી જાય છે. દરેક વ્યક્તિ જુએ છે કે ડ્રાઈવર અચાનક બેહોશ થઈ જાય છે. તેને સ્ટ્રોક આવ્યો છે. તેને ભાનમાં લાવવાના પ્રયાસો કરવામાં આવે છે. પરંતુ તે ભાનમાં આવી શકતો નથી, આ દરમિયાન તમામ મહિલાઓને ચિંતા થાય છે કે બસ કોણ ચલાવશે ? પછી એક મહિલા બસની ડ્રાઇવિંગ સીટ પર બેસે છે અને ડ્રાઇવરને હોસ્પિટલ લઇ જાય છે. જાહેરાતમાં અન્ય મહિલાઓ પણ યોગિતાના વખાણ કરે છે.

કોટક જનરલ ઈન્સ્યોરન્સ કંપનીના ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી આ એડને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વાત 7 જાન્યુઆરી 2022ની છે. જ્યારે યોગિતા સાતવે પહેલીવાર બસ ચલાવી હતી. હકીકતમાં, મહિલાઓનું આ જૂથ મોરાચી ચિંચોલ સાથે પિકનિક કરીને પુણે પરત ફરી રહ્યું હતું. ત્યારબાદ ડ્રાઈવર બેહોશ થઈ ગયો હતો. આ દરમિયાન યોગિતા બિલકુલ ગભરાઈ નહીં અને બસને હોસ્પિટલ લઈ ગઈ. આ વીડિયો શનિવારે રિલીઝ કરવામાં આવ્યો હતો. જે આંતરરાષ્ટ્રીય મહિલા થીમ #BreakTheBias પર આધારિત છે.

યોગિતા સાતવે ડ્રાઈવરની હાલત જોઈને હિંમત એકઠી કરી અને ડ્રાઈવિંગ સીટ પર બેસી ગઈ. તેણે ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં કહ્યું, ‘હું સિવિલ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છું, મેં છેલ્લા 20 વર્ષમાં મારુતિ સેલેરિયો, એસેન્ટ અને ઓમિની વાન જેવી નાની કાર ચલાવી છે. આ પહેલી વાર હતું જ્યારે મેં મીની બસ જેવું મોટું વાહન ચલાવ્યું હતું. તેણે કહ્યું કે શરૂઆતમાં તે થોડું મુશ્કેલ હતું, પરંતુ તેણે સફળતાપૂર્વક બસને હોસ્પિટલ પહોંચાડી.

Shah Jina