અમદાવાદ : પિઝામાંથી નીકળ્યું પ્લાસ્ટિક, કિચનમાં ઉલ્ટી થાય એવી ગંદકી- પરિવારને થયો કડવો અનુભવ

અમદાવાદના ચાંદખેડામાં એક પરિવારને થયો કડવો અનુભવ, પિઝામાંથી પ્લાસ્ટિક નીકળ્યું અને કિચનમાં ઊલટી થાય એવી ગંદકી….

ગુજરાતમાંથી છેલ્લા થોડા ઘણા સમયથી ખાવાની વસ્તુમાંથી જીવજંતુ નીકળવાની કે પછી હોટલ-રેસ્ટોરન્ટના કિચનમાં ગંદકીની ઘટના સામે આવતી રહે છે. ત્યારે હાલમાં અમદાવાદના ચાંદખેડામાં શ્લોક રેસિડેન્સી રોડ પર સરજુ અરેના કોમ્પ્લેક્સમાં આવેલા The Ocean Pizzaમાંથી આવી ઘટના સામે આવી. પિઝા ખાવા માટે ગયેલ એક પરિવારને કડવો અનુભવ થયો.

પિઝામાંથી જીવાત નહીં પણ પ્લાસ્ટિક નીકળવાની ઘટના બની હતી, જે બાદ તેઓએ મિત્રને જાણ કરતા ત્યાં આવી પહોંચ્યા. બંનેએ આ મામલે પિઝા આઉટલેટના માલિક સાથે વાત કરી પણ માલિક દ્વારા ઉદ્ધતાઇભર્યું વર્તન કરવામાં આવ્યુ અને આ સાથે એવું પણ કહેવાયુ કે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દેજો. ત્યારે આ મામલે તેઓએ પોલીસને જાણ કરવા છત્તાં પોલીસ ના આવી.

બે મિત્રોએ જ્યારે કિચનમાં તપાસ કરી તો ઊલટી થાય એવી ગંદકી જોવા મળી. બટાટા અને વાસી બ્રેડ પણ જોવા મળી. આ દરમિયાન બંનેએ મોબાઇલમાં આવા દૃશ્યો કેદ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને જાણ કરવામાં આવી ન હોવાનું સામે આવ્યુ છે.

જણાવી દઇએ કે, દિન પ્રતિદિન શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ પિઝા આઉટલેટમાંથી જીવાત અથવા તો કોઈપણ ચીજવસ્તુ નીકળતી હોવાની ઘટનાઓ વધી રહી છે. બ્રાન્ડેડ પિઝા આઉટલેટ હોય કે અન્ય પિઝા આઉટલેટ આવી ઘટનાઓ સમયાંતરે બની રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા પિઝા આઉટલેટ વગેરેમાં તપાસ કરવામાં આવતી નથી. શહેરની તમામ હોટલ અને રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા જાળવવામાં આવે છે કે કેમ?

તેમના રસોડામાં યોગ્ય સફાઈ હોય છે કે નહીં તે વગેરે અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા તપાસ કરવાની હોય છે. જો કે ફૂડ વિભાગની ટીમ આવી હોટલ રેસ્ટોરન્ટ કે આઉટલેટમાં ક્યારેય સરપ્રાઈઝ ચેકિંગ કરતા નથી અને કોઈ કડક કાર્યવાહી થતી નથી. એટલા માટે હોટલ, રેસ્ટોરન્ટના માલિકો આ મામલે ગંભીરતા નથી દાખવતા.

Shah Jina