સુરતમાં કરોડપતિ બાપનો નબીરો મોજ શોખ પુરા કરવા માટે ચોરીના રવાડે ચઢ્યો, ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

હાઈ ફાઈ મોજ શોખ પુરા કરવા કરોડપતિ પરિવારનો દીકરો ચોરીના રવાડે ચડ્યો, અધધધધ લાખની ચોરીમાં ઝડપાયો

ગુજરાતમાં ચોરીની ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી સામે આવી રહી છે. ઘણા લોકો આર્થિક તંગીના કારણે ચોરી જેવા સરળ રસ્તા અપનાવતા હોય છે, તો ઘણીવાર કેટલાક લોકો મોજશોખ પુરા કરવા માટે પણ ચોરીઓ કરતા હોય છે. હાલ એવા જ એક ચોરની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જે પોતે કરોડપતિ બાપની સંતાન હોવા છતાં પણ મોજશોખ પુરા કરવા માટે ચોરીના રવાડે ચઢી ગયો હતો.

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર ગત 19 ઓગસ્ટના રોજ શહેરના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા નમિનાથ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રિયાંક શાહના ઘરમાં ચોરી થવાની ઘટના સામે આવી હતી. જેમાં અજાણ્યા યુવકે કાચની બારીનું સ્લાઈડિંગ તોડી નાખી અને પછી ઘરમાં ઘૂસી ડાયમંડ જડિત સોનાના દાગીનાની ચોરી કરી હતી, જેની કિંમત કુલ 21.07 લાખ હતી અને તે આ ચોરી કરી ફરાર થઇ ગયો હતો.

ત્યારે આ મામલે ઉમર પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી હતી, જેમાં તેમને મળેલી બાતમીના આધારે તેમને અલથાણ વિસ્તારમાં આવેલા સરોવર બંગ્લોઝમાં થેટા સુમિત રાજપૂતની ધરપકડ કરી હતી. સુમિત લક્ઝુરિયસ લાઈફ જીવે છે, તે જે ઘરમાં રહે છે તેની કિંમત પણ કરોડોમાં છે. તેનો પરિવાર ટેક્સટાઇલના વેપાર સાથે સંકળાયેલો છે. સુમિતના ભાઈએ તેને કાપડની દુકાન પણ કરી આપી હતી, પરંતુ ધંધો યોગ્ય રીતે ના ચાલતા બંધ કરવો પડ્યો હતો.

ત્યારે ખરાબ મિત્રોની સંગતમાં આવી અને પોતાના મોજશોખ પુરા કરવા માટે તે ચોરીના રવાડે ચઢી ગયો હતો. તેને કોલેજ સુધીનો અભ્યાસ પણ કર્યો છે, પરિવારે ધંધો ખોલી આપ્યો પરંતુ એ ના ચાલતા તે 4 મહિનાથી બેકાર હતો અને આ દરમિયાન ખરાબ મિત્રોની સંગતમાં ફસાઈને તે ચોરી કરવા લાગ્યો હતો. સુમિતની ડીસીબી પોલીસે ધરપકડ કરી તેની પાસેથી 7.70 લાખના સોના ચાંદીના દાગીના ઉપરાંત એક મોબાઈલ, એક બાઈક તેમજ રોકડ રૂપિયા 21 હજાર સમેત 8.31 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Niraj Patel