અમદાવાદમાં ઘર જમાઇ બનેલા યુવકે લગ્નના ત્રણ જ મહિનામાં જ કર્યો આપઘાત…વીડિયો બનાવી કહ્યુ- કંટાળી ગયો છું
Ahmedabad Suicide Case : ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે. કેટલીકવાર આવા મામલામાં પ્રેમ સંબંધ, માનસિક કે શારીરિક હેરાનગતિ સહિત અનેક કારણો હોય છે. તમે ઘણીવાર એવું સાંભળ્યુ હશે કે સાસરિયાના ત્રાસથી પરણિતાઓ આપઘાત કરે છે, પણ તમે ભાગ્યે જ એવું સાંભળ્યુ હશે કે ઘર જમાઇ બનેલ યુવકે સાસરિયાના ત્રાસથી આપઘાત કરી લીધો. અમદાવાદના સરખેજમાંથી આવી ઘટના સામે આવી છે, જેમાં સાસરિયાના ત્રાસથી કંટાળીને એક યુવકે ગત માર્ચ મહિનામાં આપઘાત કર્યો હતો.
વેજલપુરમાં રહેતા અને ટોરેન્ટ પાવરમાં નોકરી કરતા અક્ષય ચૌધરીએ લગ્નના 3 મહિનામાં જ સાસરિયાના અસહ્ય ત્રાસથી કંટાળીને મોતને વ્હાલું કર્યું હતું. અક્ષયે આપઘાત પહેલા વીડિયો પણ બનાવ્યો હતો અને આમાં તેણે પત્ની પ્રિયંકા, સાસુ ભારતી શિકારી અને સસરા પ્રવિણ શિકારી તેમજ અન્ય સાસરિયા દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસની આપવીતી રજૂ કરી હતી. જ્યારે અક્ષયે આપઘાત કર્યો તેના ત્રણ મહિના પહેલા જ તેના પ્રિયંકા સાથે લગ્ન થયા હતા. અક્ષયે ઘણા સપના જોયા હતા અને રીતિ રિવાજ મુજબ પ્રિયંકા સાથે લગ્ન પણ કર્યા, પણ તેને ક્યાં ખબર હતી કે તેના સપના તો તૂટી જવાના છે.
પત્ની અને સાસરિયાના દબાણ અને માનસિક ત્રાસથી કંટાળી અક્ષયે આપઘાત જેવું પગલું ભર્યું. ત્યારે દીકરાના આપઘાત બાદ માતા-પિતાએ તેમનો એકનો એક દીકરો ગુમાવ્યો. તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે અને આરોપીઓને કડક સજા થાય તેવી પણ માંગ કરી રહ્યા છે. આ કેસમાં સરખેજ પોલીસે પ્રવિણ શિકારી, અમિત ચુનારા, ધર્મેન્દ્રભાઈ દાંતણીયા, ગિરીશ સીસોદીયા, મહિલા આરોપી જ્યોતિકા દાંતણીયા, શિલ્પાબેન દાંતણીયા, ધર્મિષ્ઠાબેન દાંતણીયા, ભારતીબેન શિકારીની ધરપકડ કરી છે અને મૃતકની પત્ની પ્રેગ્નેટ હોવાને કારણે હાઇકોર્ટે તેને વચગાળા જામીન આપ્યા છે. આ ઉપરાંત આ કેસના બે આરોપી અનિલ દાંતણીયા અને નવનીત દાંતણીયા ફરાર છે.
અક્ષયે પ્રિયંકા સાથે 4 ડિસેમ્બર 2022ના રોજ લગ્ન કર્યા હતા અને લગ્ન બાદ અક્ષય 25 દિવસ માટે પત્ની સાથે ફરવા પણ ગયો હતો. જો કે પત્ની સાસરે આવી અને તે પછી તેણે પોતાનું અસલી રૂપ બતાવ્યું. તેણે અક્ષયને ઘર જમાઈ બનાવવા માટે દબાણ કર્યું અને તે અવારનવાર અક્ષયના માતા-પિતા અને બહેનની ફરિયાદ કરતી. અક્ષય તેને ખુશ રાખવા માટે ઘર જમાઈ પણ બની ગયો અને સાસરે રહેવા જતો રહ્યો, પણ લગ્નના 3 મહિનામાં પ્રિંયકાએ અક્ષયને એવો માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો કે અક્ષયે મોતને વ્હાલુ કરી લીધુ. પ્રિંયકા ગર્ભવતી હોવાથી તેણે પોતાના સંતાનનો ચેહરો અક્ષયને નહીં જોવા દેવાની પણ ધમકી આપી હતી.