સુરતમાં એક જ પરિવારના 60 લોકો એકસાથે નીકળ્યા મતદાન કરવા, 81 લોકો રહે છે સાથે જ, પરિવારના મોભીએ કહ્યું, “મતદાન એ…”
ગઈકાલે 1 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન યોજાયું હતું. જેમાં 60% જેટલું અંદાજિત વૉટિંગ થયું હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે મોટાભાગના લોકોએ ચૂંટણીમાં મતદાનને પોતાનો અધિકાર સમજીને મતદાન મથકે જઈને પોતાનો કિંમતી વૉટ પણ આપ્યો હતો. આ દરમિયાન મતદાનને લઈને પણ ઘણી હેરાન કરી દેનારી ખબરો પણ સામે આવી છે.
ત્યારે ગુજરાતના પહેલા તબક્કાના મતદાનમાં સુરતના કામરેજ ખાતે 81 લોકોને સાથે રાખીને રહેતો સોલંકી પરિવાર પણ ચર્ચામાં આવ્યો હતો. આ પરિવારમાં રહેતા 81 લોકો એક જ ભાણે જમે છે અને સાથે જ હળીમળીને રહે છે. એટલું જ નહિ. આ પરિવારના તમામ મતદાતાઓ પણ એક સાથે જઈને જ મતદાન કરતા હોય છે. આ પરિવારમાં 60 મતદાતાઓ છે.
સોલંકી પરિવારના મોભી 82 વર્ષીય શ્યામજીભાઈ છે. ત્યારે આ વર્ષે મતદાન સમયે પરિવારમાં બે મતદાતાઓ પહેલીવાર વૉટિંગ કરી રહ્યા હતા. પ્રથમ તબક્કાના મતદાનમાં પરિવારના બધા જ 60 મતદાતાઓને સાથે લઈને નવાગામ મતદાન મથક પર મતદાન કરવા માટે ગયા હતા. શ્યામજીભાઈના દીકરા નંદલાલે જણાવ્યું કે તેઓ હંમેશા બધાને સાથે લઈને વૉટ આપવા માટે જાય છે.
આખો સોલંકી પરિવાર એક સાથે જ જમે છે અને આટલા મોટા પરિવારમાં ક્યારેય કોઈ અલગ રહેવા માટે ચર્ચા પણ નથી કરતું. બધાની જવાદારી અને મહેનતના કારણે પરિવારનું કામ પણ સરળતાથી થઇ જાય છે અને બધાને સમય પણ મળે છે. એવું પરિવારની મોટી વહુએ પણ જણાવ્યું હતું, સાથે જ પરિવારના વડીલ એવા શ્યામજીભાઈએ લોકોને મતદાન કરવા માટે પણ લોકોને અનુરોધ કર્યો હતો.