બિહારી કારીગરે બનાવ્યુ હતુ દિલ્લીનું સૌથી નાનું 6 ગજનું મકાન, દૂર-દૂરથી જોવા આવે છે લોકો
શું તમે કલ્પના કરી શકો છો કે કોઈ વ્યક્તિ 6 ગજની જમીનમાં પણ ત્રણ માળનું ઘર બનાવી શકે? અને આવા મકાનમાં પાંચ સભ્યોનું કુટુંબ રહી શકે? લક્ઝરી કારની સમકક્ષ છ ચોરસ યાર્ડના મકાનમાં હસતું-રમતું કુટુંબ રહે છે. નવાઈ લાગશે પણ બુરારી વિસ્તારના ઝડોદા ગામની 62 નંબરની ગલીમાં એક કારીગરે પોતાની કુશળતાથી આવું ઘર તૈયાર કર્યું છે. આ ઘરને દિલ્હીનું સૌથી નાનું ઘર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આસપાસના લોકોએ તેનું નામ છોટી હવેલી રાખ્યું છે. લગભગ ચારેક વર્ષ પહેલા પવન નામના યુવકે તેના મિત્ર પાસેથી આ ઘર ખરીદ્યું હતું. ઘરની સુંદરતા એમાં કરવામાં આવેલી કોતરણી અને કારીગરી છે. આટલી નાની જગ્યામાં જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવાને કારણે તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આટલી નાની જગ્યામાં બનેલું આ ઘર ત્રણ માળનું છે. લોકો અવારનવાર અહીં સેલ્ફી લેવા આવે છે. આ કામ કોઈ ઈજનેર કે કોઈ આર્કિટેક્ટે નહીં, પરંતુ બિહારના એક સાધારણ કડિયાકારે કર્યુ છે.
દિલ્હીમાં છ ગજ જમીન પર બનેલા આ ઘરની કહાની ખૂબ જ રસપ્રદ છે. ઘર બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો અને ખરીદનારએ પાછળથી આ ઘરનું નામ કેવી રીતે રાખ્યું તે ઓછું રસપ્રદ નથી. આવો જાણીએ આ ઘરની રસપ્રદ કહાની. દિલ્હીના બુરારી વિસ્તારમાં છ ગજ જમીન પર ઘર બનાવવાનો વિચાર વાસ્તવમાં એક કડિયાકારનો હતો.
બિહારના મુંગેર જિલ્લાના રહેવાસી વ્યક્તિની કારીગરીની તમે પ્રશંસા કરી શકો છો. એવું શું થયું કે 6 જના પ્લોટમાં ત્રણ માળનું મકાન બનાવવાનો વિચાર તેને આવ્યો, આ વાર્તા રસપ્રદ છે. કહેવાય છે કે આજે જે જમીન પર આ ઈમારત ઉભી છે તે જમીન એની જ હતી, જેને તેણે પાછળથી વેચી દીધી હતી.
બાંધકામના થોડા દિવસો પછી, આ કડિયાકાર ઘર વેચીને ક્યાંક ચાલ્યો ગયો. જ્યારે તમે બુરારી મેઈન રોડથી સંત નગર મુખ્ય બજારના છેલ્લા ભાગમાં પહોંચો છો, ત્યારે જમણી બાજુએ એક નાની ચૌધરી ડેરી દેખાય છે. ત્યાંથી, સ્થાનિક લોકો તમને 6 ગજ જમીન પર બનેલા ઘર વિશે જણાવવાનું શરૂ કરશે. જ્યારે તમે ઘરની નજીક પહોંચો ત્યારે આ ઘર જોઈને કારીગરના વખાણ ન કરો, એવું ન થઈ શકે. અહીં આવનાર દરેક વ્યક્તિ કારીગરના વખાણ કરતા થાકતા નથી. પરંતુ, આ મકાન બનાવનાર હવે આ વિસ્તારમાં રહેતો નથી.
મકાનમાલિક પવન કુમારે જણાવ્યું કે હાલમાં આ મકાન ભાડે આપવામાં આવ્યું છે. તેને બનાવનાર બિલ્ડરે ઓછામાં ઓછી જગ્યામાં સારી રીતે રહી શકાય તેવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. ઘરના એક માળે શૌચાલય, બીજા માળે બેડરૂમ અને ત્રીજા માળે બાથરૂમ અને રસોડું છે. સ્થાનિક કાઉન્સિલરના જણાવ્યા અનુસાર, આ ઘરમાં એક પરિવાર પણ રહે છે, જેને જોવા માટે આસપાસના લોકો પહોંચે છે.