પાકિસ્તાનના આ સિંગરની હાલત પૂરના કારણે બની કફોળી, રહેવા માટે માથે છત પણ ના રહી, કોક સ્ટુડિયોમાં “કાના બારી” ગીત ગાઈને થયો હતો ફેમસ

આ વર્ષે ચોમાસુ ધોધમાર વરસ્યું છે, અને ઠેર ઠેર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે, આપણા દેશમાં હાલ ઘણા સ્થળો ઉપર પૂર પણ આવી ગયા છે અને સામાન્ય લોકોનું જન જીવન પણ અસ્તવ્યસ્ત બની ગયું છે, ત્યારે આ પરિસ્થિતિ ભારતની જ નહિ આપણા પાડોશી દેશ પાકિસ્તાનની પણ છે. ત્યાં પણ ઘણી બધી જગ્યાએ વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે, ત્યારે આ દરમિયાન એક ખ્યાતનામ ગાયકનું ઘર પણ પાણીમાં તણાઈ ગયું હોવાની ખબર સામે આવી છે.

પાકિસ્તાનમાં આવેલ બલૂચિસ્તાનમાં પૂરે બધું તબાહ કરી નાખ્યું છે. અહીં લોકો પોતાના ઘર છોડવા મજબૂર છે. ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે, તો ઘણા લોકો બચવા માટે સુરક્ષિત જગ્યાએ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોક સ્ટુડિયો પર ‘કાના યારી’ ગીતથી ફેમસ થયેલા પાકિસ્તાની સિંગર વહાબ અલી બુગતી પણ આ લોકોમાં સામેલ છે. આ પૂરમાં તેણે પોતાનું ઘર પણ ગુમાવ્યું છે.

સિંગરનો વીડિયો ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘણા યુઝર્સે આ વાત શેર કરતા કહ્યું કે બુગતી સૌથી ખરાબ હાલતમાં જીવી રહ્યા છે કારણ કે પૂરમાં તેમનું ઘર બરબાદ થઈ ગયું છે. વાયરલ થઈ રહેલી આ તસવીરો અને વીડિયોમાં તે પોતાના પરિવાર સાથે માથા પર છત વગર જોવા મળી રહ્યો છે. પાકિસ્તાની ગાયકની હાલત જોઈને લોકો પણ તેની મદદ કરી રહ્યા છે.

ઈન્ડિપેન્ડન્ટ ઉર્દૂએ પણ તેનો વીડિયો શેર કર્યો છે. આમાં તે એક ગીત પણ ગાઈ રહ્યો છે, જે બલૂચિસ્તાનમાં પૂરની પરિસ્થિતિમાં એકદમ ફિટ બેસે છે. આ “તેરી નદીઓ મેં બહ જાવા, તેરે ખેતો મેં લહેરાવા” ગાતા તેનો આ વીડિયો જોઈને ભારતના લોકોએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. એક ટ્વિટર યુઝરે તેની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં લોકોને તેની હાલત વિશે ખબર પડી હતી.

જોકે, સોશિયલ મીડિયા યુઝર્સના પ્રતિસાદ અને મદદ બાદ બલૂચિસ્તાન સરકારે તેના પરિવારને મદદ પહોંચાડવાનું કામ કર્યું છે. આ વર્ષના ચોમાસાએ સમગ્ર પાકિસ્તાનમાં તબાહી મચાવી છે. તેની અસર બલૂચિસ્તાનમાં સૌથી વધુ જોવા મળી છે. બલૂચિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરના કારણે ઘણું નુકસાન થયું છે. કેટલાય ગામો ડૂબી ગયા છે અને લગભગ 225 લોકોએ જીવ ગુમાવ્યા છે.

Niraj Patel