માલદીવ્સ સાથેના વિવાદ વચ્ચે ગુજરાતના આ બીચ માલદીવ્સને પણ મારે છે ટક્કર, એક વાર જઈ આવ્યો
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને આ દરમિયાન તેઓ લક્ષદ્વીપની સુવિધાઓથી અભિભૂત પણ થયા હતા. તેઓએ ત્યાંના ફોટોગ્રાફ્સ શેર કરીને તેની અપાર સુંદરતાની પ્રશંસા પણ કરી હતી. આ ઉપરાંત તેમણે લોકોને લક્ષદ્વીપની મુલાકાત લેવા પણ વિનંતી કરી હતી. જો કે, આ બાદ માલદીવના એક મંત્રીની સોશિયલ મીડિયા પોસ્ટે વિવાદ સર્જ્યો અને આ મામલો હેડલાઇન્સ બની રહ્યો છે. એ તો બધા જાણે જ છે કે માલદીવ તેના કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે.
જો કે, ભારતમાં પણ માલદીવ જેવા કુદરતી સૌંદર્યથી ભરપૂર ઘણા દરિયાકિનારા છે અને તેમાં પણ ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં આવેલ સુંદરતાથી ભરેલા બીચ શિવરાજપુરની તો વાત જ કંઇક અલગ છે. ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓએ તો આ બીચની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. આ બીચ માલદીવ અને લક્ષદ્વીપને ટક્કર આપે છે. દ્વારકાની નજીક કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ઘણા વધુ ટાપુઓ અને સ્થળો છે, જેને જોઈને કોઇ પણ હેરાન રહી જાય.
શિવરાજપુર બીચ કુદરતી સૌંદર્યની ખાણ છે. ભગવાને ચાર હાથ વડે પૃથ્વીના આ ટુકડા પર સુંદરતા ફેલાવી છે. સૌરાષ્ટ્રનો આ બ્લુ બીચ સુંદરતાથી ભરપૂર છે. દ્વારકાના શિવરાજપુર ગામ પાસે આવેલ આ બીચને ઓક્ટોબર 2020માં ડેનમાર્ક સ્થિત સ્વૈચ્છિક સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા ‘બ્લુ ફ્લેગ બીચ’ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું અને તે બાદથી આ બીચ ખૂબ પ્રખ્યાત થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીની લક્ષદ્વીપ પ્રવાસની આકર્ષક તસવીરો બાદ સોશિયલ મીડિયા પર માલદીવ્સ અને લક્ષદ્વીપ વચ્ચે સરખામણી થવા લાગી અને આ દરમિયાન માલદીવ્સના કેટલાક નેતાઓએ ભારત અને પીએમ મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરી. જો કે, વિવાદ અહીં ના અટક્યો, માલદીવ્સ સરકારે ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા. આ વિવાદ વચ્ચે ઘણા ભારતીયોએ માલદીવ્સ જવાની તેમની યોજના કેન્સલ કરી દીધી અને તેના કારણે માલદીવ્સની કરોડરજ્જુ ગણાતા પ્રવાસન બજારને મોટો ફટકો પડી શકે એ લાગી રહ્યુ છે.