રાજકોટમાં સોળ શણગાર સજી, લગ્નના જોડામાં કન્યા મંડપના બદલે પહોંચી પરીક્ષા આપવા માટે, ભાવિ પતિએ પણ આપ્યો સાથ, જુઓ વીડિયો

લગ્નનો પ્રસંગ કોઈપણ વ્યક્તિ માટે ખુશીઓ ભરેલો હોય છે. એ પછી લગ્નમાં સામેલ થનાર મહેમાનો હોય, પરિવારજનો હોય કે વર-કન્યા. દરેક વ્યક્તિને લગ્નની ખુશી જ અનોખી હોય છે. હાલ દેવ ઉઠી અગિયારસ બાદ લગ્નનો માહોલ શરૂ થઇ ગયો છે, ઠેર ઠેર લગ્નના માંડવા જોવા મળી રહ્યા છે. ત્યારે આ દરમિયાન એક એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેને લોકોમાં કૌતુક જન્માવ્યું છે.

એક તરફ જ્યાં લગ્નની સિઝીન પુરજોશમાં ચાલી રહી છે, ત્યાં બીજી તરફ પરીક્ષાઓનો માહોલ પણ જામ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની વિવિધ તબક્કાઓની પરીક્ષા પણ ગઈકાલથી શરૂ થઇ ગઈ છે. ગઈકાલથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની 35 જેટલી પરીક્ષાઓ શરૂ થઇ, આ દરમિયાન રાજકોટમાં એક અનોખું દૃશ્ય સર્જાયું હતું.

રાજકોટમાં ગત રોજ શિવાંગી નામની એક યુવતીના લગ્ન હતા. પરંતુ તેને આજ દિવસે બીએસડબ્લ્યુની પરીક્ષા પણ આપવાની હતી. ત્યારે શિવાંગી લગ્નના જોડામાં સોળ શણગાર સજીને લગ્ન મંડપના બદલે  શાંતિનિકેતન કોલેજના પરીક્ષા સેન્ટર પર પરીક્ષા આપવા માટે હાજર રહી હતી. અને ખાસ વાત તો એ પણ હતી કે શિવાંગી સાથે આ પરીક્ષા દરમિયાન તેનો ભાવિ પતિ પણ તેની સાથે રહ્યો હતો.

શિવાંગીનો ભાવિ પતિ પણ વરરાજાના કપડામાં જ પરીક્ષા સ્થળ ઉપર તેની સાથે હાજર રહ્યો હતો. શિવાંગી અને તેના ભાવિ પતિને એક સાથે પરીક્ષા કેન્દ્ર ઉપર જોઈને સૌને આશ્ચર્ય પણ થયું હતું. પરંતુ શિવાંગીએ આજની યુવતીઓ અને મહિલાઓ શિક્ષણ પ્રત્યે જાગૃત થાય તે બદલ પોતાના લગ્નના દિવસે પણ પરીક્ષા આપવાની પહેલ કરી સમાજને એક ઉમદા ઉદાહરણ પૂરું પડ્યું હતું.

તમને જણાવી દઈએ કે રાજકોટના ગિરીશભાઈ અને મીનાબેન બગથરિયાની પુત્રી શિવાંગીના લગ્ન સુરતમાં રહેતા શૈલેષભાઈ અને મધુબેન પાડલિયાના પુત્ર પાર્થ સાથે ગઈકાલે સોમવારના રોજ નિર્ધારિત કર્યા હતા. લગ્નની તમામ તૈયારીઓ થઈ ચૂકી હતી. કંકોત્રી પણ છપાઈ ગઈ હતી.

આ બધા વચ્ચે જ 15-20 દિવસ પહેલા જ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થતા શિવાંગી મુશ્કેલીમાં  મુકાઈ ગઈ હતી. પરીક્ષાના દિવસે જ લગ્ન અને એ પહેલા તૈયારી કરવાનું શિવાંગી માટે ઘણું મુશ્કેલ હતું. છતાં પણ અભ્યાસને પ્રાથમિક આપી લગ્નની તૈયારીઓ વચ્ચે પરીક્ષાની તૈયારીઓ પણ શરૂ કરી આખો દિવસ લગ્નના કામકાજ કર્યા બાદ રાત્રે પરીક્ષાનું વાંચન કરતી.

શિવાંગીના આ પ્રેરણારૂપી કાર્યમાં તેના પરિવારજનો, સાસરિયા પક્ષ અને ખાસ કરી ભાવી પતિ પાર્થ પાડલિયાએ ખુબ સહકાર આપ્યો હતો. સુરતથી જાન 15 દિવસ અગાઉ જ રાજકોટમાં આવી ગઈ હતી અને લગ્નની તૈયારીઓ કરી હતી. આ દરમિયાન પાર્થ પણ શિવાંગીને પરીક્ષાની તૈયારીઓ કરવામાં મદદ કરવા લાગ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ત્યારે રવિવારના રોજ શિવાંગીની એક નણંદના પણ લગ્ન હતા. જેમાં પણ તેને હાજરી આપી હતી અને સોમવારના રોજ તે પોતાના ભાવિ પતિ પાર્થ સાથે વર-કન્યાના શણગારમાં સજીને પરીક્ષા આપવા માટે આવી પહોંચી હતી. શિવાંગીએ બીએસડબલ્યુ સેમ-5ની પરીક્ષા આપી હતી.

Niraj Patel