સંસદમાં ઘુસી ધમાલ મચાવનાર ‘ઘુસણખોરો’ પાસેથી શું મળ્યું ? IBનો ઘટસ્ફોટ

સંસદની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે. લોકસભાની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી બે યુવકો કૂદી પડ્યા અને એક બેન્ચ પરથી બીજી બેન્ચ તરફ દોડવા લાગ્યા. ત્યારે એક વ્યક્તિએ તેના જૂતામાંથી પીળા રંગનો ગેસ સ્પ્રે કર્યો. આ દરમિયાન સંસદમાં હંગામો મચી ગયો અને સાંસદો અહીં-તહીં દોડવા લાગ્યા. જો કે, કેટલાક સાંસદોએ તેમને પકડીને સુરક્ષા કર્મચારીઓને સોંપી દીધા હતા. આ દરમિયાન લોકસભાની કાર્યવાહી પણ સ્થગિત કરવામાં આવી હતી.

સંસદની સુરક્ષામાં ભારે ચૂક

કાર્યવાહીમાં હાજર સાંસદોએ જણાવ્યું કે બીજેપી સાંસદ ખર્ગેન મુર્મુ બોલી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ ઓડિયન્સ ગેલેરીમાંથી કૂદ્યો. તેના પછી અન્ય એક વ્યક્તિ પણ કૂદી પડ્યો. બંને યુવકોના હાથમાં ટીયર ગેસના ડબ્બાઓ હતા. આ સાથે તેઓએ ગેસ છાંટવાનું શરૂ કર્યું. અટકાયત કરાયેલા આરોપીઓને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. સંસદની અંદર હંગામો મચાવનારા લોકોની પૂછપરછ કરવા દિલ્હી પોલીસની એન્ટી ટેરર ​​યુનિટ સ્પેશિયલ સેલ પહોંચી છે.

લોકસભામાં ઓડિયન્સ ગેલેરીમાંથી કૂદ્યા 2 યુવક

એવું કહેવામાં આવી રહ્યું છે કે કાર્યવાહી દરમિયાન જે બે લોકો ઘૂસ્યા હતા તેમાંથી એકનું નામ સાગર છે. બંને સાંસદના નામે લોકસભા મુલાકાતી પાસ પર આવ્યા હતા. સાંસદ દાનિશ અલીએ જણાવ્યું કે બંને લોકો મૈસૂરથી બીજેપી સાંસદ પ્રતાપ સિંહાના નામે લોકસભા વિઝિટર પાસથી આવ્યા હતા. આ ઘટના બાદ સ્પીકર ઓમ બિરલાએ વિઝિટર ગેલેરીના પાસ બનાવવા પર રોક લગાવી દીધી. ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

આતંકવાદી હુમલાની 22મી વરસી

જણાવી દઇએ કે, સંસદની સુરક્ષામાં ખામી એવા દિવસે બની જ્યારે આજે સંસદ ભવન પર હુમલાની 22મી વરસી છે. 13 ડિસેમ્બર 2001ના રોજ આતંકવાદીઓએ સંસદ ભવન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 9 જવાનો શહીદ થયા હતા. જ્યારે 5 આતંકવાદીઓ માર્યા ગયા હતા. કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે અચાનક 20 વર્ષની આસપાસના બે યુવાનો પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહમાં કૂદી પડ્યા અને તેમના હાથમાં ટીન કેન હતા, જેમાંથી પીળો ધુમાડો નીકળી રહ્યો હતો.

સંસદની અંદર હંગામો મચાવનારા લોકોની પૂછપરછ

તેમાંથી એક સ્પીકરની ખુરશી તરફ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેમણે નારા લગાવ્યા. આ ધુમાડો ઝેરી હોઈ શકતો હતો. સંસદ હુમલાની વરસી પર આ સુરક્ષાનો ગંભીર ભંગ છે. દિલ્હી પોલીસની એન્ટી ટેરર ​​યુનિટ સ્પેશિયલ સેલ સંસદની અંદર હંગામો મચાવનારા લોકોની પૂછપરછ કરવા પહોંચી હતી.સંસદમાં પ્રવેશેલા લોકોની ઓળખ મૈસૂરના રહેવાસી સાગર શર્મા અને મનોરંજન તરીકે થઈ છે. શર્મા એન્જીનીયરીંગનો વિદ્યાર્થી છે અને મનોરંજન વ્યવસાયે એન્જીનીયર છે.

સંસદની બહારથી નીલમ કૌર અને અમોલ શિંદેની અટકાયત 

આ ઉપરાંત હરિયાણાના હિસારની નીલમ કૌર અને મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના અમોલ શિંદેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે બંનેની સંસદની બહારથી અટકાયત કરવામાં આવી ત્યારે બંને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ઘટના બાદ IBના વરિષ્ઠ અધિકારીઓ તરત જ સંસદ ભવન પહોંચી ગયા હતા. એક ટીમ શર્મા અને મનોરંજનની પૂછપરછ કરી રહી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર એક અધિકારીએ કહ્યું, ‘અમે તેમના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહ્યા છે. શર્મા મૈસુરનો રહેવાસી છે અને બેંગલુરુની એક યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ કરી રહ્યો છે. જ્યારે બીજો વ્યક્તિ પણ બેંગલુરુનો છે.

તેમણે કહ્યું કે સીસીટીવી ફૂટેજ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત એફએસએલની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને જરૂરી પુરાવા એકત્ર કરી રહી છે. અધિકારીએ જણાવ્યું કે સ્થાનિક પોલીસની સાથે આઈબીની ટીમ અટકાયત કરાયેલા લોકોના ઘરે પહોંચી છે. તેમણે કહ્યું, ‘તેમના ફોન જપ્ત કરવામાં આવ્યા છે અને તેમના કોઈ સંગઠન સાથેના જોડાણ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમની પાસેથી લેખિત સામગ્રી પણ મળી આવી છે, જેને તપાસ માટે જપ્ત કરવામાં આવી છે.

Shah Jina