ગાંધીનગર: પૂરપાટ જતી બસની ટક્કરથી સ્કૂલ વાન પલટી, બાળકોની ચીચયારીથી ગુંજી ઉઠ્યો માર્ગ- 10 ઇજાગ્રસ્ત

રાજયભરમાંથી અવાર નવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી રહે છે, જેમાં ઘણીવાર રોન્ગ સાઇડ પર આવતુ વાહન, તો ઘણીવાર પૂરપાટ ઝડપે આવતુ વાહન જવાબદાર હોય છે. ત્યારે આજે જ સવારે ગ્રીન સીટી ગાંધીનગર ખાતે એક મોટી દુર્ઘટના બની હતી. સવારે બાળકોને સ્કૂલ લઇ જઇ રહેલી વાન પલટી ખાઇ ગઇ હતી અને આને કારણે 10 જેટલા બાળકોને ઇજા પહોંચી હતી. આ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

CCTVમાં ફુટેજમાં જોવા મળી રહ્યુ છે કે, સ્કૂલ વાન સર્કલ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે જ પૂરપાટ આવી રહેલી લક્ઝરી બસે તેને ટક્કર મારી અને આને કારણે સ્કૂલ વાન પલટી ખાઇ ગઇ હતી. બાળકો જ્યારે સ્કૂલે જઇ રહ્યા હતા, ત્યારે જ આ અકસ્માત સર્જાયો હતો અને ઘટનાની જાણ થતા પોલિસ તેમજ વાલીઓ પણ પહોંચી ગયા હતા. આ અકસ્માત ગાંધીનગરના ચ-6 રોડ પર સર્જાયો હતો. અકસ્માતને પગલે 108ની ટીમ દોડી ગઇ હતી

અને ઇજાગ્રસ્ત બાળકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. એક વિદ્યાર્થીને વધુ ઇજા પહોંચવાને કારણે તેને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને વાનમાં સવાર બાળકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આ બાળકો સેકટર – 23 કેન્દ્રીય વિદ્યાલયનાં બાળકો છે. અકસ્માતને પગલે બસના ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે

અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના રસ્તા પર દોડતી સ્કૂલવાનમાં ઘેટા બકરાની જેમ બાળકોને ભરવામાં આવે છે અને આ મામલે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા પણ એક સ્કૂલવાન પલટી જવાની ઘટના બની હતી અને આજે ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે.

Shah Jina