‘સારાભાઇ વર્સેસ સારાભાઇ’ ફેમ વૈભવી ઉપાધ્યાયનું નિધન, ખાઇમાં પડી કાર, મંગેતર પણ હતો સાથે

Vaibhavi Upadhyay Death: ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. લોકપ્રિય ટીવી સીરિયલ ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ 2’ શોમાં જાસ્મિનનો રોલ કરનાર અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું મંગળવારે સવારે અવસાન થઇ ગયું. હિમાચલ પ્રદેશમાં એક કાર અકસ્માતમાં તેનું મોત થયું છે, તે માત્ર 32 વર્ષની હતી. તેનો પરિવાર જે ચંદીગઢમાં છે તે મૃતદેહને મુંબઈ લાવી રહ્યો છે.

બુધવારે એટલે કે આજે સવારે 11 વાગ્યે મુંબઈમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવવાના છે. આ સમાચાર ખૂબ જ હૃદયદ્રાવક છે. યુવા અભિનેતા આદિત્ય સિંહ રાજપૂતના આઘાતજનક નિધનના સમાચાર હજુ તો બે-ત્રણ દિવસ પહેલા જ સામે આવ્યા હતા. ટીવી ઈન્ડસ્ટ્રીએ ત્રણ દિવસમાં બે મહાન કલાકારો ગુમાવી દીધા. વૈભવી ઉપાધ્યાયના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રી શોકમાં છે. તેમના નિધન પર ચાહકો પણ શોક વ્યક્ત કરી રહ્યા છે.

‘સારાભાઈ વર્સેસ સારાભાઈ 2’માં વૈભવી સાથે કામ કરનાર પ્રોડ્યુસર-એક્ટર જેડી મજેઠિયાએ તેના મૃત્યુની પુષ્ટિ કરી હતી. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ જેડીએ ખુલાસો કર્યો કે ટર્ન લેતી વખતે તેની કાર ખીણમાં પડી ગઈ હતી. કારમાં વૈભવીનો મંગેતર પણ હતો, જેની હાલત સ્થિર છે. જેડી મજેઠિયાએ વૈભવીના ભાઈ સાથે તેના મૃત્યુ અંગે વાત કરી હતી. ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલીને વૈભવીના મૃત્યુના સમાચારથી ખૂબ જ આઘાત લાગ્યો છે.

અભિનેત્રીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વૈભવીનો ફોટો શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. રૂપાલીએ લખ્યું- આટલી જલ્દી જતી રહી. આ સિવાય રૂપાલીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વૈભવીનો એક રીલ વીડિયો પણ શેર કર્યો છે, જેની સાથે તેણે લખ્યું છે કે તે અભિનેત્રીના મૃત્યુના સમાચાર પર વિશ્વાસ કરી શકતી નથી. પ્રખ્યાત અભિનેતા અને નિર્માતા જેડી મજીઠિયાએ વૈભવીના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા લખ્યું- વિશ્વાસ નથી થતો કે જીવન આટલું અણધાર્યું હોઈ શકે.

એક ખૂબ જ સારી અભિનેત્રી અને ખાસ મિત્ર વૈભવી ઉપાધ્યાય, જે સારાભાઈ વર્સેસ સારાભાઈની “જાસ્મિન” તરીકે જાણીતી હતી, તેનો અકસ્માત થયો છે. પરિવાર તેમને અંતિમ દર્શન માટે આવતીકાલે સવારે 11 વાગ્યે મુંબઈ લાવશે. અભિનેત્રીના આકસ્મિક મૃત્યુથી અભિનેત્રીના ચાહકોનું દિલ તૂટી ગયું છે. અભિનેત્રીના પરિવાર સહિત ચાહકોને પણ ભારે આઘાત લાગ્યો છે. સૌ કોઈ ભીની આંખે વૈભવીને યાદ કરી રહ્યા છે.

વૈભવી એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી હતી. તેણે ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. પરંતુ અભિનેત્રીને સિરિયલ ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’થી મોટી ઓળખ મળી. આ શોમાં તેના પાત્રનું નામ જાસ્મીન હતું. અભિનેત્રીની ભૂમિકા અને અભિનયને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. ટીવી શો ઉપરાંત વૈભવીએ દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકમાં પણ કામ કર્યું હતું.

Shah Jina