એક વર્ષના બાળક સાથે સાનિયા પહોંચી નોઇડા : બાંગ્લાદેશના ઢાકાની રહેવાસી છે, ત્રણ વર્ષ પહેલા નોઇડાના સૌરભ સાથે કર્યા હતા લગ્ન
Sania Akhtar Story : પાકિસ્તાનની સીમા હૈદર નોઈડા આવ્યા બાદથી ઘણી હેડલાઈન્સમાં છવાયેલી છે, સચિન સાથેની તેની લવસ્ટોરીની તો દેશ-વિદેશમાં ચર્ચા થઈ રહી છે. પણ આ દરમિયાન વધુ એક નવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બાંગ્લાદેશની સાનિયા અખ્તર પોતાના એક વર્ષના બાળક સાથે નોઈડા પહોંચી છે. બાંગ્લાદેશની સાનિયા કહે છે કે બાંગ્લાદેશમાં કામ કરવા આવેલા એક ભારતીય પુરુષે તેની સાથે લગ્ન કર્યા હતા પણ તે વ્યક્તિ તેને છોડીને ભારત પાછો આવ્યો.
પાકિસ્તાનની સીમા બાદ બાંગ્લાદેશની સાનિયા
હવે સાનિયા અખ્તર તેના પતિ સાથે રહેવા માટે યુપીના નોઈડા આવી ગઈ છે. જો કે તે કહે છે કે હવે તેનો પતિ તેને સાથે રાખવાની ના પાડી રહ્યો છે. મહિલાએ આ અંગે નોઈડા પોલીસમાં ફરિયાદ કરી છે. હવે પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. સાનિયા અખ્તરે જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલા તેણે નોઈડાના વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તે બાંગ્લાદેશમાં નોઈડાના રહેવાસી સૌરવ કાંત તિવારીને મળી હતી અને પછી બંનેનું અફેર થયુ અને તેઓએ લગ્ન પણ કરી લીધા. લગ્ન પછી બંનેને એક સંતાન પણ છે.
સાનિયા બાંગ્લાદેશના ઢાકાની રહેવાસી
જો કે, બાળક થયા બાદ તે મહિલા અને બાળકને છોડીને ભારત આવી ગયો. મહિલાનું કહેવું છે કે તેનો પતિ નોઈડામાં અન્ય મહિલા સાથે રહે છે. તે તેના પતિ સાથે રહેવા માંગે છે અને ભારત સરકાર પાસેથી ન્યાયની અપેક્ષા રાખે છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે સાનિયા લગભગ દસેક દિવસ પહેલા બાંગ્લાદેશથી નોઈડા આવી હતી. પહેલા તેણે જાતે સૌરભને શોધ્યો. આ પછી મહિલા પોલીસ સ્ટેશન પહોચી અને પોતાની આપવીતી જણાવી. સાનિયા બાંગ્લાદેશના ઢાકાની રહેવાસી છે.
ભારતના સૌરભે કર્યા હતા 2021માં સાનિયા સાથે બાંગ્લાદેશમાં નિકાહ
સોમવારે તેને પોલીસ કમિશનરની ઓફિસમાં લાવવામાં આવી હતી. ત્યાં તેની પાસેથી સંપૂર્ણ માહિતી લેવામાં આવી હતી. પોલીસ કમિશનરના પીઆરઓએ જણાવ્યું કે મહિલાએ પોલીસ સ્ટેશનમાં માહિતી આપી કે 14 એપ્રિલ 2021ના રોજ સૌરભ કાંત તિવારીએ તેની સાથે બાંગ્લાદેશમાં જ નિકાહ કર્યા હતા અને તે બંનેને એક બાળક પણ છે. જો કે તેનો પતિ તેને અને બાળકને છોડીને ભારત આવી ગયો. તે પહેલેથી જ પરિણીત હતો.
મામલાની તપાસ કરી રહી છે પોલિસ
સૌરભ બાંગ્લાદેશના ઢાકામાં કલ્ટી મેક્સ એનર્જી પ્રાઈવેટ લિમિટેડમાં કામ કરતો હતો. મહિલાએ તેના અને પુત્રના પાસપોર્ટ, વિઝા અને સિટીઝન કાર્ડ પોલીસને આપ્યા છે. મહિલાને સેક્ટર-34 નારી નિકેતનમાં રાખવામાં આવી છે. મહિલાના કહેવા પર તેના પતિની શોધ કરવામાં આવી રહી છે. એવી જાણકારી મળી છે કે સૌરભ સેક્ટર-62માં રહે છે. હાલ તો આ મામલાની તપાસ ચાલી રહી છે.