Salman Khan Mumbai House Firing Photos : બોલિવૂડ એક્ટર સલમાન ખાનના બાંદ્રામાં ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર રવિવારે સવારે થયેલા ફાયરિંગમાં કેટલીક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ફાયરિંગ વખતે આરોપીએ જે બાઇકનો ઉપયોગ કર્યો હતો તે પનવેલમાં નોંધાયેલ છે. પોલીસ બાઇક માલિક વિશે માહિતી મેળવી રહી છે. હુમલાખોરોની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. એક હુમલાખોર બ્લેક એન્ડ વ્હાઇટ ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે, જ્યારે બીજો લાલ ટી-શર્ટમાં છે.
આ તસવીરોના આધારે બંનેની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે. સેન્ટ્રલ એજન્સીઓને બંને શૂટરો અંગે મહત્વની કડીઓ મળી છે. નોંધનીય છે કે રવિવારે વહેલી સવારે મુંબઈમાં અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર મોટરસાઈકલ પર સવાર બે અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હતો. જે બાદ પોલીસે તેના ઘરની આસપાસ સુરક્ષા વધારી દીધી અને આરોપીની શોધ શરૂ કરી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સવારે લગભગ 5 વાગ્યે બાંદ્રા વિસ્તારમાં સ્થિત ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ’ની બહાર બે વ્યક્તિઓએ ચાર ગોળીઓ ચલાવી અને ભાગી ગયા. આ બિલ્ડિંગમાં અભિનેતા સલમાન ખાન રહે છે. તેમણે કહ્યું કે ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસે આરોપીઓને ઓળખવા માટે તેમના ઘરની આસપાસ લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી છે.
અધિકારીએ કહ્યું કે સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને ફોરેન્સિક સાયન્સ નિષ્ણાતોની ટીમ પણ પુરાવા એકત્ર કરવા માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. શૂટિંગની ઘટના સમયે અભિનેતા સલમાન ખાન ઘરે હતો કે નહીં તે અંગે પોલીસ અને ખાનના પરિવાર દ્વારા સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.
ગયા વર્ષે માર્ચમાં, ખાનને અભિનેતા સલમાન ખાનની ઓફિસમાં મોકલવામાં આવેલા ઈ-મેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. જે બાદ મુંબઈ પોલીસે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર અને અન્ય એક વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 120-બી સહિતની કલમો હેઠળ FIR નોંધી હતી. આ ઘટનાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગ્રુપે લીધી છે. ગ્રુપના સભ્ય અનમોલ બિશ્નોઈએ એક પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું છે કે ભવિષ્યમાં સલમાન પર પણ હુમલો થઈ શકે છે. જો કે પોલીસ દ્વારા આ પોસ્ટની પુષ્ટિ કરવામાં આવી નથી.