સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરવા માટે શુટરોએ લીધી હતી અધધધ લાખની સોપારી, લોરેન્સ બિશ્નોઇના ભાઇના ડાયરેક્ટ ટચમાં હતા…ચોંકાવનારો ખુલાસો

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ફાયરિંગ કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. એવા સમાચાર છે કે 10 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવેલા બંને શૂટરોએ પૂછપરછ દરમિયાન ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પોલીસે બુધવારે જણાવ્યું હતું કે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના મામલે હરિયાણામાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ બે ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક સાથે સંબંધિત છે અને તમામ ઘટના પહેલા અને પછી સતત સંપર્કમાં હતા.

અધિકારીએ કહ્યું કે એવું માનવામાં આવે છે કે અટકાયત કરાયેલ શંકાસ્પદ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈ પાસેથી સૂચનાઓ લઈ રહ્યો હતો. બે શકમંદો, 24 વર્ષીય વિકી સાહેબ ગુપ્તા અને 21 વર્ષીય સાગર શ્રીજોગેન્દ્ર પાલનૂ 14 એપ્રિલે સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગ કેસમાં ગુજરાતના ભુજમાંથી મંગળવારે વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓ બિહારના છે અને અટકાયત કરાયેલા શકમંદોને તેમની ગતિવિધિઓની માહિતી આપતા હતા અને ઇન્ટરનેટ દ્વારા કોલ કરતા હતા.

ગુનો કર્યા પછી, પાલ અને ગુપ્તા મુંબઈથી ભુજ જવા નીકળ્યા હતા, જ્યારે તેઓ સુરત નજીક હતા, ત્યારે આરોપીઓએ જે મોબાઈલ ફોનનો વાતચીત માટે ઉપયોગ કરતા તેનું સિમ કાર્ડ બદલી નાખ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, ફાયરિંગ માટે કથિત રીતે 4 લાખની ઓફર કરવામાં આવી હતી. 1 લાખ એડવાન્સ આપવામાં આવ્યા હતા અને બાકીના કામ પૂર્ણ થયા બાદ લેવાનું નક્કી કરાયુ હતુ. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું કે, ફાયરિંગનો હેતુ સલમાન ખાનને મારવાનો નહિ પણ ડરાવવાનો હતો.

રવિવારે સવારે 4:55 વાગ્યે મુંબઈના બાંદ્રામાં ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર મોટરસાઇકલ પર સવાર બે શખ્સોએ ચાર-પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું, આ પછી તે સ્થળ પરથી ભાગી ગયા અને ગુજરાતના ભુજ પહોંચ્યા. જણાવી દઇએ કે, ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે મંગળવારે સલમાન ખાનને તેમના ઘરે મળ્યા હતા. આ દરમિયાન સલમાનના પિતા સલીમ ખાન પણ હાજર રહ્યા હતા.

Shah Jina