ચાંદ પર પ્રજ્ઞાનની સામે આવ્યો એક મોટો ખાડો, ગભરાઈ ગયા બધા જ, ISROએ તરત કર્યું આ કામ અને બધાએ લીધો રાહતનો શ્વાસ,
Rover came across a 4-meter diameter crater : ભારતે ચંદ્ર પર ચંદ્રયાન -3નું સોફ્ટ લેન્ડિંગ કરાવીને ઇતિહાસ રચી દીધો છે. ત્યારે હવે ચંદ્ર પર ઉતરેલું ચંદ્રયાન પણ માહિતી ભેગી કરી રહ્યું છે અને ઇસરોને મોકલી રહ્યું છે. દેશ અને દુનિયા પણ ચંદ્ર પરથી આવી રહેલી આ માહિતી જાણવા માટે આતુર થતા જોવા મળી રહ્યા છે. ત્યારે હાલ એક એવી ખબર સામે આવી જેને વૈજ્ઞાનિકોના શ્વાસ પણ અધ્ધર કરી દીધા હતા. ચંદ્ર પર ફરી રહેલા રોવર પ્રજ્ઞાન સામે એક મુસીબત પણ આવી ગઈ હતી.
રસ્તામાં આવ્યો મોટો ખાડો :
ચંદ્રયાન-3ના રોવર પ્રજ્ઞાને ચંદ્રની સપાટી પર ખાડો જોયા બાદ પોતાનો માર્ગ બદલી નાખ્યો છે. આ ખાડો એટલે કે ક્રેટર 4 મીટર વ્યાસનો છે. આ ખાડો રોવરની સામે લગભગ 3 મીટર હતો. હવે રોવર નવા માર્ગ પર આગળ વધી રહ્યું છે. રોવર નાના ખાડાઓ પાર કરી શકે છે. પરંતુ બહુ મોટા નહીં. તેથી જ જ્યારે તેની સામે મોટો ખાડો કે પથ્થર હોય ત્યારે તેણે પોતાનો રસ્તો બદલવો પડે છે. અત્યાર સુધી રોવરે 8 મીટરથી વધુ એટલે કે 26 ફૂટનું અંતર કાપ્યું છે. તેના બંને પેલોડ ચાલુ છે. કામ કરી રહ્યા છે.
કમાન્ડ આપીને બદલાવ્યો રસ્તો :
આ સિવાય ઈસરોએ જણાવ્યું કે પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર અને રોવરના તમામ પેલોડ હવે કામ કરી રહ્યા છે. ત્રણેયનો કોમ્યુનિકેશન બેંગ્લોરમાં સ્થિત સેન્ટર પરથી થાય છે. ચંદ્રયાન-3નું પ્રજ્ઞાન રોવર માત્ર સીધું જ નથી ચાલતું. તે પોતાનો રસ્તો પણ બદલી નાખે છે. 27 ઓગસ્ટ, 2023ના રોજ તેની સામે એક મોટો ખાડો એટલે કે 4 મીટર વ્યાસનો ખાડો દેખાયો. જેના કારણે તેણે પોતાનો રસ્તો બદલવો પડ્યો હતો. જોકે રૂટ બદલવાનો આદેશ બેંગલુરુમાં ISTRAC તરફથી આપવામાં આવ્યો હતો.
13 દિવસ સુધી કરશે કામ :
ચંદ્રયાન-3ના રોવરનું કુલ વજન 26 કિલો છે. તે ત્રણ ફૂટ લાંબુ, 2.5 ફૂટ પહોળું અને 2.8 ફૂટ ઊંચું છે. તે છ પૈડાં પર ચાલે છે. ઓછામાં ઓછું 500 મીટર એટલે કે 1600 ફૂટ ચંદ્રની સપાટી પર જઈ શકે છે. તેની ઝડપ 1 સેન્ટિમીટર પ્રતિ સેકન્ડ છે. તે આગામી 13 દિવસ સુધી ચંદ્રની સપાટી પર કામ કરવાનું ચાલુ રાખશે, જ્યાં સુધી તેને સૂર્યપ્રકાશથી ઊર્જા મળતી રહેશે.