હું દોઢ બે કલાક લટકતો રહ્યો… જૂનાગઢમાં પાણીમાં તણાયા બાદ વૃદ્ધનો આબાદ બચાવ
રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રમાં તો મેઘતાંડવ સર્જાયુ છે. ઘણી જગ્યાએથી તબાહીની દ્રશ્યો પણ સામે આવ્યા છે. પણ કહેવત છે ને કે રામ રાખે તેને કોણ ચાખે…તે જૂનાગઢમાં રહેતા વિનોદભાઈ ટેકચંદા પર સાર્થક થઇ છે. જૂનાગઢમા આવેલા ભયાનક પૂરમાં ઘણા લોકોને યમરાજના સાક્ષાત દર્શન થયા. પણ વિનોદભાઈ મોતને પણ હાથતાળી આપીને પરત ફર્યા.
કાળવા નદીના પ્રચંડ પૂરમાં તણાઈ ગયા વિનોદભાઈ
જૂનાગઢના દુરવેશ નગર ખાતે રહેતા વિનોદભાઈ દુકાનેથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક શરૂ થયેલ વરસાદ તેમના માટે મોટી મુસીબત લઈને આવ્યો અને ઘરની સાવ નજીક પહોંચ્યા બાદ તેઓ અચાનક જ કાળવા નદીના પ્રચંડ પૂરમાં તણાઈ ગયા. પૂરથી બચવા તેમણે પાસે રહેલી ગાડીનો આશરો લીધો પણ મોટર કાર પણ પાણીના પ્રચંડ પ્રવાહ સામે ઝીંક ઝીલી ન શકી અને તણાવા લાગી.
રેસ્ક્યૂ ટીમે હાથ ધર્યુ ઓપરેશન
ત્યારે વિનોદભાઈ પણ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા અને સતત બે કલાક સુધી તેઓ પાણીના પ્રવાહમાં એક ઝાડના સહારે ટકી રહ્યા. તે બાદ તેમને બચાવી લેવાયા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે રુંવાડા ઉભા કરી દે એવો હતો. વીડિયોમાં ‘એ બાપા વયા ગ્યા..’ એવો અવાજ સંભળાઈ રહ્યો છે. જો કે, વિનોદભાઈને બચાવવા માટે રેસ્ક્યૂ ટીમે ઓપરેશન હાથ ધર્યુ અને તેમનું સહીસલામત તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યુ.
ખેતરમાં ઝાડ પકડીને દોઢ-બે કલાક રહ્યા
વિનોદભાઈએ બહાર નીકળ્યા બાદ જણાવ્યું કે, હું તણાયો પછી ખેતરમાં ઝાડ પકડીને દોઢ-બે કલાક જેટલું રહ્યો, હિંમત ના હારી. બે દિવસ ખાવાનું ન મળ્યું હોય તેવા દિવસો પણ મેં જોયા છે એટલે હિંમત નહોતી હારી. ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ ટ્વીટ કરીને જૂનાગઢ પોલીસની પ્રશંસા કરાઇ હતી.
Junagadh Police = Saviours
Take a bow team✌🏻 pic.twitter.com/s2jY6VpoVB
— Harsh Sanghavi (@sanghaviharsh) July 22, 2023