ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈ નાના પડદાની ટોચની અભિનેત્રી રહી છે. પરંતુ તે છેલ્લા કેટલાક સમયથી એક્ટિંગથી દૂર છે. જો કે સોશિયલ મીડિયા દ્વારા તે ફેન્સ સાથે જોડાયેલી રહે છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે જણાવ્યું કે એક સમયે તે સંપૂર્ણપણે નાદાર થઈ ગઈ હતી. તેની પાસે રહેવા માટે છત પણ ન હતી. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, રશ્મિ દેસાઈએ તેના દિવસોને યાદ કર્યા જે તેના માટે ખૂબ જ મુશ્કેલ હતા.
અભિનેત્રીએ જણાવ્યું કે તેને આર્થિક અને શારીરિક રીતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. નોટબંધીના કારણે તેના માથા પર છત પણ ન હતી જેના કારણે તેને કારમાં સૂવું પડ્યું હતું. રશ્મિ દેસાઈએ કહ્યું કે આર્થિક તંગીના કારણે તેણે સલમાન ખાનના શો બિગ બોસમાં જવાનું નક્કી કર્યું હતું. પરંતુ આ સફર તેના માટે ઘણી મુશ્કેલ હતી. અભિનેત્રીએ કહ્યું, ‘હું શો દરમિયાન એટલી પરેશાન થવા લાગી કે મારા મગજમાં આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા.
પરંતુ શોના હોસ્ટ સલમાન ખાને ઘણું સમજાવ્યુ. રશ્મિ દેસાઈએ ખુલાસો કર્યો કે તેનું સપનું અભિનેત્રી બનવાનું નહોતુ પરંતુ ડાન્સ કોરિયોગ્રાફર કે એર હોસ્ટેસ બનવાનું હતું. જો કે ઘરમાં આર્થિક સંકડામણના કારણે નાની ઉંમરમાં જ તેણે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો. તેણે ભોજપુરી ફિલ્મ કન્યાદાનથી એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું. આ પછી તેણે ઘણી ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું, ભોજપુરી ફિલ્મો પછી રશ્મિ દેસાઈએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી.
જો કે તેણે ઘણી સિરિયલોમાં કામ કર્યું હતું, પરંતુ તેને વાસ્તવિક ઓળખ ટીવી શો ઉત્તરનથી મળી. એક સમય એવો આવ્યો જ્યારે તે સંપૂર્ણ રીતે કંગાળ થઇ ગઈ. અભિનેત્રીના કહેવા પ્રમાણે, તે સમયે સલમાન ખાને તેને સૌથી વધુ સપોર્ટ કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું, ‘મેં સલમાન ખાન સાથે એડ વીડિયોમાં પણ કામ કર્યું છે. તે લોકો માટે ઘણું કરે છે. તેણે મારા માટે શું કર્યું તે હું તમને કહી શકતી નથી.