ટીવી ઉપર આવતા રિયાલિટી શોએ કેટલાય લોકોની જિંદગી બદલી નાખી છે, કૌન બનેગા કરોડપતિ શોની અંદર આપણે કેટલાય લોકોને લાખો રૂપિયા જીતી અને પોતાના સપનાને હકીકતમાં બદલતા જોયા છે, એવું જ એક સપનું લઈને વડોદરાની અંદર પુલાવની લારી ચલાવી રહેલી એક મહિલા રણવીર સિંહના રિયાલિટી શો બિગ પિક્ચરમાં પહોંચી હતી.
ગત રોજના “ધ બિગ પિક્ચર” એપિસોડની અંદર ડેશિંગ હોસ્ટ રણવીર સિંહે વડોદરાની અંદર એક ફૂટની લારી ચલાવી રહેલી આશિયાનાનું સ્વાગત કર્યું. આશીયાનાનું સપનું તેની લારીને રેસ્ટોરન્ટમાં બદલાવાનું હતું.
રણવીરે તેની ચતુરાઈ અને આકર્ષણથી આશીયાનાની સાંજને ખુબ જ ખુશનુમા બનાવી દીઘી અને છેલ્લે આશિયાનાએ તેમને વાયદો કર્યો કે તેમના રેસ્ટોરન્ટમાં તેના નામ ઉપર એક સ્પેશિયલ ડીશનું નામ રાખશે. આ ક્વિઝને રમવા માટે આશિયાનાના સ્ટેજ ઉપર આવ્યા બાદ રણવીરે અશિયાનાને જીતેલા પૈસાનું શું કરવા વિશે પૂછ્યું, ત્યારે આશિયાનાએ પોતાનું રેસ્ટોરન્ટ ખોલવાની વાત કહી.
આ પછી સુપરસ્ટાર હોસ્ટ રણવીરે તેને તેની રેસ્ટોરન્ટની એક વાનગીનું નામ તેના (રણવીરના) નામ પર રાખવા કહ્યું. આશિયાનાએ કહ્યું કે તે ચોખામાંથી બનેલી વાનગીનું નામ તેના નામ પર રાખશે અને તેનું નામ હશે- ‘સ્પેશિયલ સ્પાઈસી રણવીર પુલાવ’. આશિયાના પ્રશ્નોના જવાબ ખૂબ જ સારી રીતે આપી રહી હતી પરંતુ લાઈફલાઈનનો ઉપયોગ ન કરવો તેના માટે મોંઘો સાબિત થયો.
ગત રોજના એપિસોડમાં હૃદયસ્પર્શી ક્ષણ ત્યારે આવી જ્યારે રણવીરે આશિયાનાને સુંદર સલવાર-સુટ ભેટમાં આપ્યો. તે ખૂબ જ ખુશ હતી અને આ ગિફ્ટ માટે રણવીરનો આભાર માન્યો અને કહ્યું કે તે લાંબા સમયથી પોતાના માટે કોઈ ડ્રેસ નથી ખરીદી શકી. આશિયાનાએ રણવીરને કહ્યું કે “હું તેને હંમેશા સુરક્ષિત રાખીશ.” આશિયાના આ શોની પહેલી એવી સ્પર્ધક હતી જેણે કોઈ પણ રકમ જીત્યા વિના શો છોડવો પડ્યો હતો.