કુદરની ક્રૂરતા તો જુઓ, રાજુલાના એક જ પરિવારના ચાર સભ્યોને પાંચ જ દિવસમાં ભરખી ગયો કોરોના

કોરોનાથી મોતના આંકડાઓ સતત વધી રહ્યા છે ઘણા પરિવારો આ કોરોનાના કારણે વેર વિખેર બની ગયા છે ત્યારે એવો જ એક કિસ્સો રાજુલામાંથી સામે આવ્યો છે, જ્યાં પાંચ જ દિવસની અંદર પરિવારના 4 સભ્યોને કોરોના ભરખી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજુલામાં ફુલનો વેપાર કરતાં મનસુખભાઈ પ્રફુલભાઈ પરમારને 17 દિવસ પહેલા કોરોનાનું નિદાન થયું હતું. ત્રણ દિવસ ઘરે સારવાર લીધા બાદ સીટી સ્કેનમાં ફેફસામાં 70% ઇન્ફેક્શન હોવાનું નિદાન થયું હતું. અને સારવાર માટે રાજુલાના ખાનગી દવાખાને ખસેડાયા હતા. 60 વર્ષીય મનસુખભાઈના પરિવારમાં અગાઉ કોઈ મોટી બીમારી આવી ન હતી. પોતાના પુત્રને ઓક્સિજન પર જોઈ 75 વર્ષીય માતા જયાબેન પરમાર હૃદય બેસી ગયું.

આ પરિવાર જયાબેનના મોતનો આઘાત જીરવે તે પહેલા બે જ દિવસમાં કોરોના ગ્રસ્ત મનસુખભાઈનું પણ મોત થયું હતું. કુદરતની કસોટી અહીંથી અટકી ન હતી. મનસુખભાઈના મોતનો તેના પિતા પ્રફુલભાઈ ખીમજીભાઈ પરમાર (ઉં. વ. 78 ) અને ભાઈ મનોજભાઈ ( ઉં. વ. 56)ને ખૂબ જ આઘાત લાગ્યો હતો. કરુણતા તો ત્યારે સર્જાય કે બે દિવસ પછી સવારે પ્રફુલભાઈનું હૃદય બેસી ગયું. પરિવાર તેની અંતિમવિધિ કરી પરત આવ્યો ત્યાં સાંજે મનોજભાઈનું પણ હૃદય બેસી જવાથી મોત થયું.

માત્ર પાંચ દિવસના ટૂંકાગાળામાં એક જ પરિવારના ચાર સભ્યોના નિધનથી સમગ્ર રાજુલા પંથકના ભલભલાનું કાળજું કંપાવી દીધું. મનસુખભાઈ પત્ની અને બે પુત્રો તથા મનોજભાઈ પત્ની અને પુત્ર પુત્રીને નોધારા છોડી ગયા હતા. મનસુખભાઈનો પુત્ર પંકજ કહે છે કે પરિવારના સભ્યો એકબીજાથી ખૂબ જ લાગણીથી જોડાયેલા હતા. સતત એકબીજાની દરકાર લેતા હતા. કાળમુખા કોરોનાએ અમારું સર્વસ્વ છીનવી લીધું છે. અમે પાંચ પેઢીથી રાજુલામાં ફુલનો વેપાર કરીએ છીએ.

78 વર્ષીય પ્રફુલભાઈ આ ઉંમરે પણ એકદમ તંદુરસ્ત જીવન જીવતા હતા. આ ઉંમરે પણ તેઓ વાડીએ ઝાડ પર ચઢી જતા હતા. પરંતુ પુત્રના મોતનો આઘાત સહન ન કરી શક્યા. આમ, કોરોનાએ સારાસારાને હંફાવ્યા.

એક તરફ આપણે જોયું છે કે કોરોના બી.પી. અને ડાયાબિટીસ તથા અન્ય ગંભીર બીમારી ધરાવતા દર્દીઓ માટે ઘાતક છે. પરંતુ આ પરિવારમાં કોઈને બીપી કે ડાયાબિટીસ જેવી બીમારી પણ ન હતી. કોઈને ક્યારેય હોસ્પિટલમાં દાખલ થવાની પણ જરૂર પડી ન હતી. કોરોના પણ માત્ર મનસુખભાઈને જ થયો હતો. આમ છતાં જોતજોતામાં ચાર જિંદગી છીનવી ગઈ. જેના કારણે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

(સાભાર: દિવ્ય ભાસ્કર)

Niraj Patel