જ્યારે ઘરમાં આવેલા ચોરે રાજુ શ્રીવાસ્તવની પત્ની ઉપર તાકી દીધી હતી બંદૂક, રાજુની દીકરીએ વાપરી હતી એવી ચાલાકી કે મળ્યું હતું રાષ્ટ્રપતિ પાસે સન્માન

દિગ્ગજ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે દિલ્હીની એઇમ્સમાં અંતિમ શ્વાસ લીધા. રાજુ શ્રીવાસ્તવ 58 વર્ષના હતા. રાજુના પરિવારમાં પત્ની શિખા શ્રીવાસ્તવ, પુત્રી અંતરા અને પુત્ર આયુષ્માન છે. આ બધાની વચ્ચે રાજુ શ્રીવાસ્તવની પુત્રી અંતરા શ્રીવાસ્તવ ચર્ચામાં છે. કારણ કે તેણે 12 વર્ષની ઉંમરમાં એવું બહાદુરીભર્યું કામ કર્યું હતું, જેના માટે તેને રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ તેને તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામ દ્વારા આપવામાં આવ્યો હતો.

12 વર્ષની ઉંમરે રાજુ શ્રીવાસ્તવની પુત્રી અંતરા શ્રીવાસ્તવે પોતાની સમજણનો એવો નમૂનો રજૂ કર્યો હતો, જેના પર આખા દેશને ગર્વ થયો હતો. બન્યું એવું કે એકવાર રાજુ શ્રીવાસ્તવના ઘરે ચોર આવ્યા. તે સમયે અંતરા માત્ર 12 વર્ષની હતી. અંતરા અને તેની માતા સિવાય ઘરમાં કોઈ નહોતું. આ દરમિયાન ચોરોએ રાજુ શ્રીવાસ્તવની પત્ની શિખા શ્રીવાસ્તવ પર બંદૂક તાકી હતી.

જ્યારે ચોરોએ શ્રીવાસ્તવની માતા પર બંદૂક તાકી ત્યારે અંતરા તેના બેડરૂમમાં હતી. ત્યાંથી, અંતરાએ તેના પિતા રાજુ શ્રીવાસ્તવને ફોન કરવાને બદલે સીધો જ પોલીસને ફોન કર્યો અને તેમની મદદ માંગી. તે જ સમયે તેણે રૂમની બારીમાંથી બિલ્ડિંગના ચોકીદારને અવાજ આપ્યો. અંતરાએ હિંમતથી કામ કર્યું અને હિંમતભેર ચોરોનો સામનો કર્યો. અંતરાના આ પગલાથી આખરે પોલીસ અને ચોકીદારે સમયસર તેને અને તેની માતાને બચાવી લીધા.

આ સમજદાર પગલા માટે અંતરા શ્રીવાસ્તવને વર્ષ 2006માં રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમને આ પુરસ્કાર ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ એપીજે અબ્દુલ કલામ પાસેથી મળ્યો હતો. દસ મિનિટની એ ઘટનાથી અંતરાનું જીવન હંમેશ માટે બદલાઈ ગયું. રાજુ પણ દીકરીના આ પગલાથી ઘણો ખુશ હતો. જ્યારે દીકરીને વીરતા પુરસ્કાર મળ્યો ત્યારે તેની ખુશીનો પાર ન રહ્યો.

Niraj Patel