ખબર

પાવાગઢ શક્તિપીઠમાં અધધધ કિલો સોનાનું છત્ર અને 1.11 કરોડનું દાન, જુઓ તસવીરો

19 નવેમ્બર શુક્રવારના રોજ દેવ દીવાળી હતી આ પર્વ નિમિત્તે પાવાગઢમાં મહાકાળી માતાના મંદિરમાં એક રાજપુરોહિત પરિવાર દ્વારા 1.11 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યુ હતુ. તેમણે માતાજીને 1.25 કિલો સોનાની છત અર્પણ કરી હતી. પાવાગઢ મંદિરમાં ગઇકાલના રોજ એટલે કે દેવ દીવાળીના પર્વ નિમિત્તે લગભગ દોઢ લાખ લોકોએ દર્શન કર્યા હતા. દેવ દીવાળી નિમિત્તે ભવ્ય અન્નકૂટનું આયોજન પણ કરવામાં આવ્યુ હતુ, જેમાં 100થી પણ વધુ વાનગીઓનો ભોગ માતાજીને ધરાવવામાં આવ્યો હતો.

રાજપુરોહિત પરિવાર દ્વારા દાનની વાત કરવામાં આવે તો, હાલ હિંમતનગર રહેતા અને મૂળ રાજસ્થાનના બાબુલાલ સોનાજી રાજપુરોહિત કે જેઓ પશુઓના કુટલફૂડનો વ્યવસાય કરે છે. તેમના પરિવાર દ્વારા મંદિરને 1.11 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ તેમણે 60 લાખ રૂપિયાના કિંમતની 1.25 કિલોની સોનાની છત અર્પણ કરી હતી.

બાબુલાલ રાજપુરોહિતની શ્રદ્ધા અતૂટ છે. તેમના પુત્ર ચિંતનભાઇ દર પૂનમના દિવસે પાવાગઢ ખાતે અચૂકથી આવે છે. તેમજ પગપાળા માતાજીના ચરણોમાં પહોંચી શીશ નમાવે છે. પાવાગઢ મંદિરમાં આ પ્રકારે સોનાનું છત્ર અને જાહેરમાં દાન કોઈ દાતાએ કર્યુ હોવાની પ્રથમ ઘટના હોવાનું પણ ચર્ચાતું સાંભળવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે વહેલી સવારના રોજ વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો હતો અને તેને પગલે રોપ વે સેવા બંધ કરવી પડી હતી અને લગભગ 4 કલાક બાદ 10 વાગ્યા આસપાસ રોપ વે સેવા ફરી શરૂ કરવામાં આવી હતી. ગઇકાલના રોજ ભવ્ય અન્નકૂટને કારણે સવારે 10 વાગ્યાથી લઇને 12 વાગ્યા સુધી દર્શન બંધ કરવામાં આવ્યા હતા.

ગઇકાલે દેવ દીવાળીનો પર્વ હોવાથી દર્શન માટે ઘણી લાંબી લાઇનો હતી અને ભક્તોએ લાઇનમાં શાંતિથી ઊભા રહી માતાજીના દર્શન કર્યા હતા. ગઇકાલના રોજ લાખો યાત્રાળુઓ એકસાથે ઉમટી પડ્યા હતા જેને કારણે એસટી બસ સેવા ન મળતા માઇ ભક્તોએ જીવના જોખમે ખાનગી જીપમાં સવારી કરી હતી.